ધંધા માટે વ્યાજે લીધેલા રૃપિયાની પઠાણી ઉઘરાણી
વેપારીના ઘરે આવીને છરી બતાવી પિતાનું ગળુ દબાવી કોરા ચેકમાં સહી કરાવી લીધી, વારંવાર ધાક-ધમકી આપીને મારકૂટ પણ કરી રહ્યાની પોલીસ ફરિયાદ, બે શખ્સોની અટકાયત
રાજકોટ : જામકંડોરણાનાં જસાપર ગામે ફેબ્રિકેશનનાં ધંધાર્થીને પાંચ વ્યાજખોરો અમાનુષી ત્રાસ આપી રહ્યાની પોલીસ ફરિયાદ નોંધાવાતા બે શખ્સોની અટકાયત કરીને તપાસ શરૃ કરાઇ છે. ધંધા માટે વ્યાજે લીધેલા રૃપિયાની પઠાણી ઉઘરાણી કરીને શારીરિક માનસિક ત્રાસ અપાઇ રહ્યાનો આક્ષેપ કરાયો છે.
જામકંડોરણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ જામકંડોરણા તાલુકાના જસાપર ગામે રહેતા અમીતભાઈ બાબુભાઈ માવાણીએ ફેબ્રિકેશનના ધંધાર્થે ૨૦૨૧માં વિજયભાઇ ઘેડ પાસેથી ૪ લાખ રૃપિયા ૪ ટકા વ્યાજે લીધા હતા, જેમાં ૩ લાખ ૬૦ હજાર વ્યાજની માંગણી કરીને સ્ટેમ્પમાં ૬ લાખ ૫૦ હજારની નોટરી કરાવી ચાર ચેક લઇ ગયા હતા. બાદ ઘરે આવીને વ્યાજની માંગ કરી છરી કાઢીને અમીતભાઈના પિતા બાબુભાઈ માવાણીનું ગળું દબાવીને બે ચેક બળજબરીપૂર્વક સાઇન કરાવી લઇ ગયા હતા. જ્યારે જયરાજસિંહ જાડેજા (ઓફિસ ભાદરાના નાક) પાસેથી ૩૦ હજાર રૃપિયા ૧૦ ટકા વ્યાજે લીધા બાદ એક ચેક અને પાંચ મહિનાનું ૧૫ હજાર રૃપિયા વ્યાજ આપ્યા છતા અમિતના ઘરે જઇને ૩૦ હજારની માંગણી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.
જ્યારે દિવ્યેશ રામાનુજ હસ્તે શક્તિ દરબાર (ઓફિસ ભાદરા નાકા પાસે પીળી મેડી) પાસેથી દોઢેક વર્ષ પહેલાં ૧૫ ટકા લેખે ૨૦ હજાર રૃપિયા લીધા હતા, તેને ચાર મહિનાનું ૧૨ હજાર રૃપિયા વ્યાજ ચૂકવ્યા છતાં ખજુરડા ચોકડી પાસે પંદર દિવસમાં પૈસા આપી દેજે તેમ કહીને બે ફડાકા ઝીંકી લીધા હતા. જામકંડોરણાના ધોરાજી નાકા પાસે રહેતા મુસ્તાક કડીવાલ પાસેથી ૨૦ ટકા લેખે દોઢેક વર્ષ પહેલા ૨૦ હજાર લીધા હતા અને મહિને ૪ હજાર વ્યાજ ચૂકવવાની વાત થઇ હતી. તેને ત્રણ કોરા ચેક સહી કરેલા આપેલા હતાં. બાદમાં તેણે નવ લાખ રૃપિયા વ્યાજ થઇ ગયું છે, કહીને ઉઘરાણી કરી હતી. અગિયાર મહિના પહેલાં બોરીયા ગામે રહેતા જયેશ રાઠોડ પાસેથી ૧૦ ટકા લેખે ૧૫ હજાર રૃપિયા લીધા હતા, તેના બદલામાં સહી કરેલા બે કોરા ચેક આપ્યા હતાં. અને પાંચ મહિનાનું વ્યાજ સહિત રૃા. ૭.૫ હજાર રૃપિયા ચૂકવ્યા હતાં. છતાં ત્રાસ આપતાં ગામ છોડવું પડયું હતું. જેથી આ વ્યાજખોરો તેના પિતા બાબુભાઈ પાસે ઉઘરાણી કરતાં અંતે અમિત માવાણીએ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં પાંચ વ્યાજખોરો વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જામકંડોરણા પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળ્યું કે વિજયભાઈ ઘેડ અને મુસ્તાક કડીવારની પોલીસે પૂછપરછ શરૃ કરી છે.