વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો ડિગ્રી લેવા માટેનો ઈંતેઝાર લંબાઈ રહ્યો છે.કારણકે પદવીદાન સમારોહની તારીખ નક્કી થઈ રહી નથી અને આજે તો વાઈસ ચાન્સેલરે પણ મીડિયા સાથની વાતચીતમાં કહ્યું હતું કે, ચીફ ગેસ્ટની તારીખ મળશે એટલે તરત પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવશે.આમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ હવે પ્રાર્થના કરવાની રહે છે કે, ચીફ ગેસ્ટ વહેલી તકે તારીખ આપે અને પદવીદાન સમારોહ યોજાય તો વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી જલ્દી મળે.
યુનિવર્સિટીના ૭૩મા પદવીદાન સમારોહમાં ૧૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થવાની છે.જોકે પદવીદાન સમારોહ ક્યારે યોજાશે તેની જાણકારી વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ સીવાય કોઈની પાસે નથી.આજે પીએચડી માટે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના ઓરિએન્ટેશન કાર્યક્રમ દરમિયાન તેમને પદવીદાન સમારોહના આયોજન અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે તારીખ તો જણાવી નહોતી પરંતુ કહ્યું હતું કે, યુનિવર્સિટીએ તો સપ્ટેમ્બરથી જ સમારોહ યોજાય તેવી તૈયારીઓ કરી દીધી છે.જેમને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવાના છે તેમના તરફથી તારીખ નક્કી કરવામાં આવશે કે તરત જ પદવીદાન સમારોહના આયોજનની જાહેરાત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પહેલા તા.૧૪ નવેમ્બરે સમારોહ યોજવાની હિલચાલ હતી પરંતુ ચીફ ગેસ્ટનું નામ નક્કી નહીં થઈ શકતા હવે સમારોહ પાછો ઠેલી દેવામાં આવ્યો છે અને સત્તાધીશો સમારોહ ના યોજાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને ઓરિજિનલ ડિગ્રી આપવા માટે તૈયાર નથી.