ઢાકા41 મિનિટ પેહલા
- કૉપી લિંક
બાંગ્લાદેશ પોલીસ મંગળવારે ચિન્મય પ્રભુને ચટગાંવ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં લઈ જઈ રહી છે.
બાંગ્લાદેશમાં ઇસ્કોનના ધર્મગુરુ ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની ધરપકડ મામલે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન પર બાંગ્લાદેશે પણ પ્રતિક્રિયા આપી છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે મંગળવારે કહ્યું, “તે ખૂબ જ દુઃખદ છે કે ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડને કેટલાક લોકો દ્વારા ખોટી રીતે રજૂ કરવામાં આવી છે.”
મંત્રાલયે કહ્યું કે આવા નિવેદનો માત્ર તથ્યોને ખોટી રીતે રજૂ કરતા નથી પરંતુ તે બંને પાડોશી દેશો વચ્ચે મિત્રતા અને પરસ્પર સમજણની ભાવનાની પણ વિરુદ્ધ છે. બાંગ્લાદેશ સરકાર ફરી કહેવા માંગે છે કે દેશની ન્યાયતંત્ર સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને સરકાર તેમના કામકાજમાં દખલ કરતી નથી.
મંત્રાલયે વધુમાં કહ્યું-
બાંગ્લાદેશ સરકાર દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવા માટે પ્રતિબદ્ધ છે. ચટગાંવમાં વકીલ સૈફુલ ઈસ્લામ અલીફની ઘાતકી હત્યા અંગે ચિંતિત છે. કોઈપણ ભોગે ધાર્મિક સહિષ્ણુતા જળવાઈ રહે તે માટે વહીવટીતંત્રે સુરક્ષા વધારી છે.
આ પહેલા ભારતે ચિન્મય પ્રભુની ધરપકડ પર નારાજગી વ્યક્ત કરી હતી. ભારતના વિદેશ મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે અમે ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડથી ચિંતિત છીએ. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે ગુનેગારો ખુલ્લેઆમ ફરે છે, પરંતુ શાંતિપૂર્ણ સભાઓ દ્વારા યોગ્ય માગણીઓ ઉઠાવનારા ધાર્મિક નેતા સામે કેસ ચાલી રહ્યા છે.
જામીન અરજી ફગાવી દેવાયા બાદ કોર્ટમાંથી બહાર આવતા બાંગ્લાદેશ ઇસ્કોનના ધર્મગુરુ.
ચિન્મય પ્રભુની ધરપકડ પર ભારતના નિવેદનના મહત્વના મુદ્દા…
- બાંગ્લાદેશમાં લઘુમતીઓના ઘરો અને દુકાનોમાં આગચંપી અને લૂંટફાટ, દેવી-દેવતાઓ અને મંદિરોની અપવિત્રતાના ઘણા કિસ્સાઓ છે.
- અમે દાસની ધરપકડ સામે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા લઘુમતીઓ પરના હુમલાઓ પર પણ ચિંતા વ્યક્ત કરીએ છીએ.
- બાંગ્લાદેશના સત્તાવાળાઓએ હિન્દુઓ અને તમામ લઘુમતીઓનું રક્ષણ કરવું જોઈએ, તેમને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપવો જોઈએ.
ઇસ્કોને બાંગ્લાદેશ સરકારની નિંદા કરી ઈસ્કોને બાંગ્લાદેશ ઈસ્કોનના પ્રમુખ ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની ધરપકડ અંગે પણ નિવેદન જાહેર કર્યું છે. આમાં બાંગ્લાદેશ સરકારની નિંદા કરવામાં આવી છે. ઇસ્કોને બાંગ્લાદેશ સરકારને અપીલ કરી છે કે તેઓ એવું વાતાવરણ બનાવે જેમાં તમામ ધર્મના લોકો સાથે રહે.
ઇસ્કોને કહ્યું કે ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુ બાંગ્લાદેશમાં લઘુમતીઓના અધિકારો માટે અવાજ ઉઠાવી રહ્યા છે. સરકારે નાગરિકોના અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરવું જોઈએ.
આ પહેલા બાંગ્લાદેશના ઈસ્કોને આ મામલે ભારતના હસ્તક્ષેપની માંગ કરી હતી. તેમણે ભારત સરકારને વિનંતી કરી કે તેઓ બાંગ્લાદેશ સરકાર સાથે વાત કરે અને તેમને જણાવે કે વિશ્વમાં ક્યાંય પણ આતંકવાદ સાથે ઈસ્કોનનો કોઈ લેવા-દેવા નથી.
ઇસ્કોને બાંગ્લાદેશ સરકારને તેના નેતાને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે અને કહ્યું છે કે તે ફક્ત શાંતિપૂર્ણ ભક્તિ આંદોલન ચલાવે છે.
કોર્ટે ચિન્મય પ્રભુની જામીન અરજી ફગાવી, તેમને જેલમાં ધકેલ્યા બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયનો એક અગ્રણી ચહેરો અને ઈસ્કોન મંદિર સાથે સંકળાયેલા ચિન્મય પ્રભુને 26 નવેમ્બરે ચટગાંવના કોતવાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાજદ્રોહના કેસમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ચિન્મય પ્રભુ સામે બાંગ્લાદેશ દંડ સંહિતાની કલમ 120(B), 124(A), 153(A), 109 અને 34 હેઠળ રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે કોર્ટે જામીન અરજી નામંજૂર કરી તેને જેલમાં ધકેલ્યા હતા.
પોલીસે ચટગાંવ કોર્ટની બહાર ચિન્મય પ્રભુના સમર્થકો પર ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે દેખાવકારોને વિખેરવા માટે રબરની ગોળીઓ વરસાવી હતી. ચિન્મય પ્રભુની ધરપકડનો વિરોધ કરવા આવેલા લોકોને પણ પોલીસે હટાવી દીધા હતા.
આ તરફ ચિન્મય પ્રભુએ કોર્ટ પરિસરમાં જ સમર્થકોને સંબોધતા કાયદા મુજબ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.
બાંગ્લાદેશી પોલીસ અધિકારીઓ ચિન્મય પ્રભુને કોર્ટમાં લઈ ગયા હતા, ત્યારની તસવીર.
ઇસ્લામિક કટ્ટરપંથીઓ મંદિરો પર હુમલા કરે છે, દલિતોના ઘરો સળગાવ્યા ઇસ્લામિક કટ્ટરપંથીઓએ મંગળવારે બપોરે ચટગાંવમાં લોકનાથ મંદિર પર હુમલો કર્યો હતો. કટ્ટરપંથીઓનું ટોળું અલ્લાહ હુ અકબરના નારા લગાવતા મંદિર તરફ આગળ વધ્યું હતું. સાંજે પણ ઘણા કટ્ટરપંથીઓએ ચટગાંવના હજારી લેનમાં આવેલા કાલી મંદિરમાં તોડફોડ કરી હતી.
આ દરમિયાન હિંસક ટોળાએ ચટગાંવની દલિત કોલોનીમાં ઘણા ઘરોને આગ ચાંપી દીધી હતી. અગાઉ તેમણે વિસ્તારના હિન્દુઓને દુકાનો બંધ કરવાની ધમકી પણ આપી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર હુમલાખોરો ઈસ્લામી જમાત અને વિપક્ષી પાર્ટી BNP સાથે સંકળાયેલા હતા.
ચટગાંવમાં વકીલનું મોત
ચટગાંવમાં ચિન્મય પ્રભુના સમર્થનમાં પ્રદર્શન દરમિયાન એક વકીલનું મોત થયું છે. માર્યા ગયેલા વકીલનું નામ સૈફુલ ઈસ્લામ ઉર્ફે અલીફ (35) છે. વકીલનું મૃત્યુ કેવી રીતે થયું તે હાલ સ્પષ્ટ નથી. આજે સાંજે તેને ચટગાંવ મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. સૈફુલ ચટગાંવમાં આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર હતો.
વકીલના મૃત્યુ પર, ચટગાંવ વકીલ મંડળના પ્રમુખ નાઝીમ ઉદ્દીન ચૌધરીએ આરોપ લગાવ્યો કે વિરોધીઓએ સૈફુલને ચેમ્બરમાંથી પકડીને તેની હત્યા કરી હતી. બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે સૈફુલની હત્યાની નિંદા કરી છે અને તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે.
તસવીર મૃતક વકીલ સૈફુલની છે.
બાંગ્લાદેશમાં પોલીસ અને દેખાવકારો વચ્ચેની અથડામણનો ફોટો-વીડિયો…
ચિન્મય દાસની મુક્તિ માટે પ્રદર્શન
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની મુક્તિ માટે સોમવારે શરૂ થયેલો વિરોધ ચાલુ છે. આજે એટલે કે મંગળવારે જુદા જુદા ભાગોમાં દેખાવો થયા હતા. દેખાવકારોએ ઢાકા, ચટગાંવ અને દિનાજપુરમાં રસ્તાઓ બંધ કરી દીધા હતા અને પ્રભુની વહેલી મુક્તિની માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચિન્મય દાસ પ્રભુ વિરુદ્ધ દેશદ્રોહ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો કેસ ચાલી રહ્યો છે.
સોમવારે ઢાકાના શાહબાગમાં વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર કેટલાક લોકોએ લાકડીઓથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે જગ્યાએ હિંદુઓ પર હુમલો થયો તે શાહબાગ પોલીસ સ્ટેશનથી માત્ર 30 મીટર દૂર છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે કટ્ટરપંથીઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા લોકો પર હુમલો કરી રહ્યા હતા, ત્યારે પ્રશાસન અને પોલીસે તેમને રોકવા માટે કોઈ કાર્યવાહી કરી ન હતી.
હુમલામાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે. 3ની હાલત ગંભીર છે.
દેખાવકારોએ ઘણા શહેરોમાં રસ્તાઓ બ્લોક કરી દીધા હતા.
ઢાકા યુનિવર્સિટીમાં વિરોધ કરી રહેલા હિન્દુઓ પર કેટલાક લોકોએ હુમલો કરીને તેમને વિખેર્યા હતા.
ચિન્મય પ્રભુની ક્યારે અને કેવી રીતે ધરપકડ કરવામાં આવી? બાંગ્લાદેશ પોલીસે સોમવારે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ધરપકડ કરી હતી. તેઓ ચટગાંવ જઈ રહ્યા હતા. ઘટનાસ્થળે હાજર ઈસ્કોનના સભ્યોએ જણાવ્યું હતું કે ડીબી પોલીસે કોઈ ધરપકડ વોરંટ દર્શાવ્યું નથી. તેઓએ ફક્ત કહ્યું કે તેઓ વાત કરવા માંગે છે. આ પછી તેઓ તેને માઈક્રોબસમાં બેસાડીને લઈ ગયા.
ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ડિટેક્ટિવ બ્રાન્ચ (ડીબી)ના એડિશનલ પોલીસ કમિશનર રેઝાઉલ કરીમ મલિકે જણાવ્યું હતું કે પોલીસની વિનંતીને પગલે ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરવામાં આવી હતી. ચિન્મય દાસને કાયદાકીય પ્રક્રિયા માટે સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે
બાંગ્લાદેશ ઈસ્કોન સાથે સંકળાયેલા ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુ સતત હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મામલો ઉઠાવી રહ્યા હતા.
શા માટે ચિન્મય પ્રભુની ધરપકડ કરવામાં આવી? 25 ઓક્ટોબરે નાતન જાગરણ મંચે 8 મુદ્દાની માંગણીઓ સાથે ચિટગાંવના લાલદીઘી મેદાનમાં રેલી યોજી હતી. ચિન્મય કૃષ્ણ દાસે પણ આ રેલીને સંબોધી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ ન્યૂ માર્કેટ ચોકમાં આઝાદી સ્તંભ પર ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. આ ધ્વજ પર આમી સનાતની લખેલું હતું.
રેલી બાદ 31 ઓક્ટોબરે બેગમ ખાલિદા જિયાની BNP પાર્ટીના નેતા ફિરોઝ ખાને ચટગાંવમાં ચિન્મય કૃષ્ણ દાસ સહિત 19 લોકો વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. તેના પર રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ છે.
બાંગ્લાદેશના ચટગાંવમાં આઝાદી સ્તંભ પર ભગવો ધ્વજ લગાવવામાં આવ્યો હતો, જેને બાદમાં હટાવી દેવામાં આવ્યો હતો.
ઈસ્કોન મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો બાંગ્લાદેશમાં સત્તા સંઘર્ષ દરમિયાન 6 ઓગસ્ટે ખુલના જિલ્લામાં એક ઈસ્કોન મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું. જેમાં ભગવાન જગન્નાથની મૂર્તિઓનું દહન કરવામાં આવ્યું હતું. આ હુમલા બાદ ચિન્મય દાસે કહ્યું હતું કે ચટગાંવમાં ત્રણ અન્ય મંદિરો પણ ખતરામાં છે. હિન્દુ સમુદાય તેમની સુરક્ષા માટે સાથે મળીને કામ કરી રહ્યો છે.
દાસે કહ્યું કે હિંસાથી બચવા માટે હિન્દુઓ ત્રિપુરા અને બંગાળ થઈને ભારતમાં આશ્રય લઈ રહ્યા છે. ચિન્મય દાસ લાંબા સમયથી હિન્દુ મંદિરોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે.
બાંગ્લાદેશમાં ઇસ્કોનના 77 થી વધુ મંદિરો બાંગ્લાદેશમાં ઇસ્કોનના 77 થી વધુ મંદિરો છે. દેશના લગભગ દરેક જિલ્લામાં ઈસ્કોન મંદિર છે. અંદાજ મુજબ, 50 હજારથી વધુ લોકો તેની સાથે જોડાયેલા છે.