સ્પોર્ટ્સ ડેસ્ક54 મિનિટ પેહલા
- કૉપી લિંક
ડોમેસ્ટિકમાં ગુજરાત ટીમનો ઓપનર અને વિકેટકીપર ઉર્વિલ પટેલ T-20 ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારનારો ભારતીય બેટર બની ગયો છે. તેણે બુધવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામે માત્ર 28 બોલમાં સદી ફટકારી હતી.
આ મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ હતી. ઉર્વિલ પહેલાં આ રેકોર્ડ રિષભ પંતના નામે હતો, જેણે 2018માં આ જ ટુર્નામેન્ટમાં હિમાચલ પ્રદેશ સામે 32 બોલમાં સદી ફટકારી હતી. ઉર્વિલે 35 બોલમાં અણનમ 113 રન બનાવ્યા હતા, જેમાં 12 સિક્સ અને 7 ફોર ફટકારી હતી.
ગુજરાતે આ મેચ 8 વિકેટે જીતી લીધી ત્રિપુરાએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 8 વિકેટે 155 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે માત્ર 10.2 ઓવરમાં 2 વિકેટે 156 રન બનાવીને જીત મેળવી હતી. ઉર્વિલે ટીમને 8 વિકેટે જીત અપાવી હતી. તેણે ઓપનર આર્યન દેસાઈ સાથે પ્રથમ વિકેટ માટે 150 રનની ભાગીદારી કરી હતી.
ઉર્વિલ સૌથી ઝડપી સદી ફટકારનારો વિશ્વનો બીજો બેટર ઉર્વિલ T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનારો વિશ્વનો બીજો બેટર બની ગયો છે. તેના પહેલાં એસ્ટોનિયાના સાહિલ ચૌહાણે સાયપ્રસ સામે 27 બોલમાં સદી ફટકારી હતી. ત્રીજા નંબર પર વેસ્ટ ઈન્ડીઝનો ક્રિસ ગેલ છે. તેણે IPL-2013ની સિઝનમાં પુણે વોરિયર્સ સામે RCB તરફથી રમતી વખતે 30 બોલમાં સદી ફટકારી હતી.
રોહિત T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારનારો ભારતીય T-20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. તેણે 2021માં શ્રીલંકા સામે 35 બોલમાં સદી ફટકારી હતી.
IPL મેગા ઓક્શનમાં ઉર્વિલ અનસોલ્ડ રહ્યો IPL-2025ના મેગા ઓક્શનમાં ઉર્વિલ અનસોલ્ડ રહ્યો. આ ઓક્શન 24 અને 25 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાયું હતું. 2023ના મિની ઓક્શનમાં તેને ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો હતો, જોકે તેને મેચ રમવાની તક મળી ન હતી.
લિસ્ટ-Aની બીજી સૌથી ઝડપી સદી પણ ઉર્વિલના નામે ઉર્વીલે આ પહેલાં ગયા વર્ષે 27 નવેમ્બરે વિજય હજારે ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામે 41 બોલમાં સદી ફટકારી હતી. લિસ્ટ-A ક્રિકેટમાં આ બીજી સૌથી ઝડપી સદી હતી. આ યાદીમાં તેનાથી આગળ યુસુફ પઠાણ છે, જેણે 2009-10માં 40 બોલમાં સદી ફટકારી હતી.
ઉર્વિલે 44 T20 મેચમાં 23.52ની એવરેજથી 988 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 4 અડધી સદીનો પણ સમાવેશ થાય છે. T-20માં તેનો ઓવરઓલ સ્ટ્રાઈક રેટ 164.11 છે.