Surat Corporation : સુરત શહેરને ગ્રીન સીટી બનાવવા માટેની જવાબદારી પાલિકાના ગાર્ડન વિભાગની છે. ગાર્ડન વિભાગ શહેરમાં રોપેલા છોડ અને રોપાની માવજત કરવા માટે કામગીરી કરે છે પરંતુ હાલમાં ગાર્ડન વિભાગનું વિભાજન કર્યા બાદ ગાર્ડન વિભાગને જ માવજતની જરૂર પડી રહી છે. લાખો રૂપિયા મેઈન્ટેનન્સ પાછળ ધુમાડો છતાં શહેરમાં અનેક જગ્યાએ રોપેલા રોપા માવજતના અભાવે મુરઝાઈ રહ્યાં છે જેના કારણે શહેરની હરિયાળી સાથે સુંદરતામાં પણ ઘટાડો થઈ રહ્યો છે જેના કારણે પાલિકાએ આપેલું હરિયાળા સુરતનું સુત્ર ઉલ્ટુ થઈ ગયું છે અને તેની સાથે સુરતની સુંદરતામા પણ ઘટાડો થઈ રહ્યો છે.
સુરત પાલિકાએ શહેરને સ્વચ્છ સાથે હરિયાળું બનાવવાની નેમ સાથે સ્વચ્છ સુરત-હરિયાળા સુરતનું સૂત્ર આપ્યું હતું. ત્યાર બાદ શહેરમાં મોટી સંખ્યામાં ડિવાઈડર, ચેનેલાઈઝર અને સર્કલમાં વિવિધ પ્રકારના રોપા-વૃક્ષ રોપવામા આવ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે પાલિકા દ્વારા રોપા-વૃક્ષો રોપવામાં આવ્યા છે પરંતુ ત્યાર બાદ તેની માવજત કરવાનું પાલિકાનો ગાર્ડન વિભાગ ભુલી ગયો છે. હાલમાં ગાર્ડન વિભાગની કામગીરી ઝોનમાંથી અને સેન્ટ્રલી થવાના મુદ્દે અસમંજસમાં છે અને કામગીરી વિખેરાઈ ગઈ છે તેના કારણે ઝોન કે ગાર્ડન વિભાગ દ્વારા શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે ડિવાઈડર, ચેનેલાઈઝર અને સર્કલમાં વિવિધ પ્રકારના રોપા- છોડ રોપવામાં આવ્યા છે. આ રોપા ઉગાડીને લાખો રૂપિયાનું બિલ પાસ કરી દેવામા આવ્યા છે એટલું જ નહી પરંતુ કાગળ પર મેઈન્ટેનન્સ થઈ રહ્યું છે તેના કારણે શહેરમાં અનેક જગ્યાએ હરિયાળી સુકાઈ રહી છે.
પાલિકા ડિવાઈડર, ચેલેનાઈઝર સહિત સર્કલમાં રોપવામાં આવેલા રોપા- વૃક્ષની જાળવણી કરવામાં ગાર્ડન વિભાગ નિષ્ફળ જઈ રહ્યો છે તેના કારણે ગ્રીન સુરત નું સૂત્ર ઉંધુ થઈ રહ્યું છે.આવા સંજોગોમાં સુરત પાલિકા 139.15 કરોડના ખર્ચે 87 હેકટરમાં બાયોડાયવર્સીટી પાર્ક પૂર્ણ કરવા કામગીરી કરી રહી છે. આટલી મોટી કામગીરી પાલિકાનો ગાર્ડન વિભાગ કરી શકશે કે કેમ ? તે મોટો પ્રશ્ન બની બહાર આવી રહ્યો છે.