10 કલાક પેહલા
- કૉપી લિંક
સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનનો મોટો પુત્ર નાગ ચૈતન્ય આવતા મહિને શોભિતા ધૂલીપાલા સાથે બીજા લગ્ન કરવા જઈ રહ્યો છે. જેની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે અને ફેન્સ પણ લગ્નને લઈને ઉત્સાહિત છે. પરંતુ, આ દરમિયાન નાગાર્જુનના નાના પુત્ર અખિલ અક્કિનેનીએ પણ ઝૈનબ રાવદજી સાથે સગાઈ કરી છે. જેની તસવીરો બહાર આવતાં જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. અખિલ કરતાં ઝૈનબ 9 વર્ષ મોટી છે અને જેઠાણીની ઉંમર કરતાં 7 વર્ષ મોટી છે.
અખિલે ફોટો શેર કરી સગાઈની જાણકારી આપી અખિલે ઈન્સ્ટાગ્રામ પર ઝૈનબ સાથેના ફોટા શેર કરીને પોતાની સગાઈની જાણકારી આપી હતી. જેમાં બંને વ્હાઈટ આઉટફિટમાં ટ્વિન કરતાં જોવા મળી રહ્યાં છે અને એકદમ સ્ટાઇલિશ દેખાઈ રહ્યાં છે. અખિલે સફેદ શર્ટ પહેરેલ છે અને સ્લીવ્ઝ ફોલ્ડ કરેલ છે. જ્યારે ઝૈનબ પણ મેચિંગ વ્હાઈટ કલરના ગાઉનમાં એકદમ ક્યૂટ લાગી રહી છે.
નાગાર્જુને પણ પોસ્ટ શેર કરી પોસ્ટ શેર કરતી વખતે, નાગાર્જુને કેપ્શનમાં લખ્યું – ‘અમે અમારા પુત્રની સગાઈની જાહેરાત કરતાં ખૂબ જ ખુશ છીએ. અખિલ અક્કીનેની અને અમારી ભાવિ પુત્રવધૂ ઝૈનબ રાવદજીને અભિનંદન.
કોણ છે ઝૈનબ રાવદજી? ઝૈનબ રાવદજી જાણીતાં ઉદ્યોગપતિ ઝુલ્ફી રાવદજીની પુત્રી છે. તે બાંધકામ ઉદ્યોગમાં પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કરી રહી છે. ઝૈનબનો ભાઈ ઝૈન રાવદજી ZR રિન્યુએબલ એનર્જી પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરે છે. ઝૈનબ રાવદજીએ પોતાનું જીવન ભારત, દુબઈ અને લંડનમાં વિતાવ્યું છે. મૂળ હૈદરાબાદની ઝૈનબ આ દિવસોમાં મુંબઈમાં રહે છે.
અખિલે ટ્રોલિંગના ડરથી કોમેન્ટ સેક્શન બંધ રાખ્યું? પરંતુ ઇન્સ્ટા પર સગાઈના ફોટા શેર કરતી વખતે, એક્ટરે કોમેન્ટ સેકશન બંધ રાખ્યુ છે. આ જોઈને ઘણા યુઝર્સના મનમાં સવાલ ઉઠ્યા કે આવું શા માટે કરવામાં આવ્યું. આ બાબતને લઈને વિવિધ પ્રકારની અટકળો શરૂ થઈ છે. અખિલની ફિયાન્સ ઝૈનબ મુસ્લિમ પરિવારમાંથી છે. યુઝર્સનું માનવું છે કે અખિલ અને ઝૈનબ ઇન્ટરફેથ મેરેજ કરવા જઈ રહ્યા છે, કદાચ આ કારણે જ એક્ટરે કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું હશે. કેટલાક યુઝર્સે એવું માને છે કે અખિલ કરતાં ઝૈનબ 9 વર્ષ મોટી હોવાથી ટ્રોલિંગને અવગણવા માટે કોમેન્ટ સેક્શન બંધ રાખ્યું હશે. જો કે સત્ય શું છે તે તો હજુ જાણી શકાયું નથી. બીજી તરફ અખિલ અને ઝૈનબની જોડીને ચાહકો પસંદ કરી રહ્યા છે. આ કપલના લગ્નની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.