Jamnagar Crime : જામનગર શહેરમાં યુવતીએ પોતાનું મોટર સાયકલ પરત માંગતા ઉશ્કેરાયેલા શખ્સે તેણીના ભાઈ અને પિતા સાથે ઝઘડો કરી, ઉપરાંત યુવતી ઉપર છરી વડે હુમલો કરતાં નાકના ભાગે ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે તેણીએ સ્થાનિક પોલીસ દફતરે એક શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જામનગરમાં નાનકપુરી વિસ્તારમાં રહેતી અનિષાબા ભરતસિંહ રાઠોડ નામના યુવતીને નાકના ભાગે છરી વડે હુમલો કરી છરકાની તેમજ પેટના ભાગે ઢીકાપાટુ વડે મારકૂટ કરી, ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ તેણીએ વસંત વાટિકામાં રહેતાં રાહુલ પ્રહલાદભાઈ નામના શખ્સ સામે સિટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ યુવતીનું બાઈક રાહુલ પાસે હોય અને પરત માંગતા ઉશ્કેરાઈ તેણે અનિષાબા અને તેના ભાઈ જયપાલસિંહ તથા તેના પિતા ભરતસિંહ સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યાનું ફરિયાદમાં જાહેર થયું છે.