એજન્સી > નવી દિલ્હી
સરકારે ‘એનિમી શેર’ વેચીને અને સીપીએસઈ દ્વારા શેર બાયબેક દ્વારા કુલ 11,300 કરોડ રૂપિયા મેળવ્યા હતા. તેને કારણે સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટનો 80,000 કરોડનો લક્ષ્યાંક પાર કરીને 85,000 કરોડની આવક ઊભી કરી લીધી હતી. ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા સરકારની આ અત્યાર સુધીમાં બીજા ક્રમની સૌથી વધુ આવક છે.
સરકારે ‘એનિમી શેર’ વેચીને સૌપ્રથમવાર 700 કરોડ રૂપિયા મેળવી લીધા છે. ગત નવેમ્બર-2018માં કેબિનેટે કંપનીઓમાં આવા શેર વેચી દેવાની ભલામણને મંજૂરી આપી દીધી હતી, જેને પગલે આમ શક્ય બન્યું હતું. એનિમી પ્રોપર્ટી એટલે જે લોકો પાકિસ્તાન કે ચીન જેવા દુશ્મન દેશોમાં રહેવા જતા રહ્યા છે અને હવે ભારતના નાગરિક રહ્યા નથી તેમની ભારતમાં રહેલી પ્રોપર્ટી. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)એ આવી સંપત્તિ વેચી દેવા માટે મંજૂરી માગી હતી.
એનિમી શેર ઉપરાંત સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈસીસ (CPSE) દ્વારા શેર બાયબેક કરવાથી સરકારને 10,600 કરોડ રૂપિયા મળી ગયા હતા.
ચાલુ નાણાકીય વર્ષમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF) મારફતે સૌથી વધુ Rs 45,729 કરોડની આવક થઈ હતી. ત્યાર પછી બીજા ક્રમે REC-PFC ડીલ પેટે સરકારને Rs 14,500 કરોડની આવક થઈ હતી. આરઈસીમાં સરકારનો 52.63 ટકા હિસ્સો અન્ય સરકારી કંપની પાવર ફાઈનાન્સ કોર્પોરેશને ખરીદી લીધો હતો. આ ઉપરાંત સરકારે એમએસટીસી, રાઈટ્સ (RITES), ઈરકોન ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ અને મિધાની જેવી કંપનીઓના આઈપીઓ દ્વારા Rs 1929 કરોડ મેળવ્યા હતા. કોલ ઈન્ડિયાની ઓફર ફોર સેલ મારફતે સરકારને Rs 5218 કરોડ મળ્યા હતા. એક્સિસ બેન્કમાં SUUTIનો હિસ્સો વેચીને Rs 5379 કરોડ મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સરકારે CPSE ETFના પાંચમા તબક્કામાં Rs 3500 કરોડ મેળવવા માટે બિડ મંગાવી હતી, જે અંતર્ગત તેને Rs 28,000 કરોડની જંગી બિડ મળી હતી. સરકારે આ બિડ અંતર્ગત ગ્રીન-શૂ ઓપ્શન તરીકે Rs 10,000 કરોડ જાળવી રાખશે. સરકારે આગામી વર્ષ માટે ડિસઈન્વેસ્ટમેન્ટનો Rs 90,000 કરોડનો ટારગેટ રાખ્યો છે.