Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ થી ધોરાજી તરફ નેશનલ હાઈવે રોડનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં ભાવાભી ખીજડીયા ગામ પાસે ગઈ રાતે બે અજાણ્યા શખ્સોએ કામ રોકાવીને ઓપરેટરને માર મારી ભગાવી મૂક્યો હતો. ત્યાર બાદ મશીનને આગ ચાંપી દઇ રૂપિયા 63 લાખનું નુકસાન પહોંચાડયાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડ થી ધોરાજી તરફ નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યું છે, અને ભાવાભી ખીજડીયા ગામ પાસે ગઈકાલે રાત્રે એમ.એસ. ખુરાના એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીના ઓપરેટર દ્વારા એક્સકેવેટર મશીન મૂકીને રોડ રસ્તાનું કામ ચલાવી રહ્યો હતો
જે દરમિયાન બે જાણ્યા શખ્સો ઓપરેટર પાસે આવ્યા હતા, અને તમે અમારા વિસ્તારમાં કોને પૂછીને કામ કરો છો? તેમ કહી આ કામ બંધ કરી દેજો, તેમ કહીને ધાકધમકી ઉચ્ચારી હતી, અને ઓપરેટરને બે ત્રણ થપ્પડ મારી દેતાં ઓપરેટર મશીન છોડીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ બંને અજાણ્યા શખ્સોએ મશીનમાં આગ ચાંપી દેતાં મશીનની કેબીન તેમજ અન્ય ભાગ સળગી ઊઠ્યો હતો.દરમિયાન લોકોનો ટોળું એકત્ર થયું હતું, અને મોડી રાત્રે આ ઘટનાની ફાયર તંત્ર ને જાણ કરાતાં કાલાવડ ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને પાણીનો મારો ચલાવીને આગને બુજાવી હતી.
સમગ્ર બનાવ મામલે મશીનના ઓપરેટર દ્વારા ઉપરોક્ત ખાનગી કંપનીના સ્થાનિક મેનેજરને જાણ કરાતાં મૂળ રાજસ્થાનના વતની અને હાલ કાલાવડમાં રહેતા બાધારામ પ્રભુરામ પરિહાસ અન્ય સાથી કર્મચારીઓ સાથે બનાવના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી મશીનને ઠંડુ કરવામાં આવ્યું હતું, અને આગ બુઝાવી દેવાઇ હતી પરંતુ ત્યાં સુધીમાં મશીનને રૂપિયા 63 લાખ 11 હજાર જેટલું નુકસાન થઈ ગયું હતું.
આથી સમગ્ર મામલાને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને માધારામ પરિહાસની ફરિયાદના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસ બનાવના સ્થળે પહોંચી ગઇ હતી અને તપાસનો દ્વારા હાથમાં લઈ મશીનને આગ ચાંપી દેનાર તેમજ ઓપરેટરને માર મારનાર બંને અજાણ્યા શખ્સોની શોધખોળ શરૂ કરી છે.