M S University Vadodara : એમ.એસ.યુનિવર્સિટીના 73 માં પદવીદાન સમારોહના આયોજનમાં થઈ રહેલા વિલંબને લઈને વિદ્યાર્થી સંગઠનો પણ હવે બાયો ચડાવી રહ્યા છે.
પદવીદાન સમારોહનું આયોજન ક્યારે થશે અને તેમાં ચીફ ગેસ્ટ કોણ હશે તેની વાઈસ ચાન્સેલર સિવાય કોઈને ખબર નથી ત્યારે ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીએ યુનિવર્સિટી સત્તાધીશોને પદવીદાન સમારોહની તારીખ જાહેર કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો 48 કલાકમાં તારીખ જાહેર ના થાય તો એબીવીપીએ આંદોલન કરવાની ધમકી આપી છે.
એબીવીપીના અગ્રણીઓએ કહ્યું હતું કે પદવીદાન સમારોહ યોજવા માટે કોઈ વીઆઈપીની તારીખની રાહ જોવાઈ રહી હોય તેવું લાગે છે. આ યુનિવર્સિટી માત્ર વીવીઆઈપી માટે ચાલતી હોય તેવું વાતાવરણ કેટલાક સમયથી ઉભું થયું છે. ખાસ કરીને વાઇસ ચાન્સેલર ડોક્ટર શ્રીવાસ્તવ એ છેલ્લા બે વર્ષથી દાન સમારોહમાં વીવીઆઈપી લોકોને જ બોલાવવાનો આગ્રહ રાખ્યો છે. અને તેના કારણે સમારોહના આયોજનમાં વિલંબ થાય છે અને વિદ્યાર્થીઓ ડિગ્રી માટે વલખા મારે છે. વિદેશ જનારા વિદ્યાર્થીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે વિદેશમાં વધુ અભ્યાસ માટે પ્રોવિઝનલ ડીગ્રી માન્ય નથી રખાતી અને યુનિવર્સિટી પદવીદાન સમારોહ યોજ્યા વગર ડિગ્રી આપવાનો ઇનકાર કરી રહી છે.