Vadodara : વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વોર્ડ નં.13 વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે લાલબાગથી વિશ્વામિત્રી બ્રિજ સુધી વરસાદી ગટરની 2.25 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવી હતી. આ કામ પૂર્ણ થયા બાદ કોર્પોરેશ1.35ને કરોડના ખર્ચે વિશ્વામિત્રી પૂલથી નદી તરફ પાણીનો નિકાલ કરવા કામ મંજૂર કર્યો હતો. આ કામ કોન્ટ્રાક્ટરે અધૂરું છોડી દીધું છે, તેવો આક્ષેપ વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરે કરતાં કહ્યું છે કે તેને નોટિસ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે.
આમ કરવાને લીધે લાલબાગથી વિશ્વામિત્રી નદી તરફ આ વરસાદી ગટરની આ કામગીરી 20 ટકા બાકી રહી છે. લાલબાગ વિસ્તાર, કાશી વિશ્વનાથ, રાજસ્થંભ રાજરત્ન, એસઆરપી, કુંભારવાડા વગેરેમાં દર વર્ષે ચોમાસામાં પાણી ચાર પાંચ ફૂટ ભરાતા લોકોને ખૂબ નુકસાન થાય છે. આ સમસ્યાના નિવેડો માટે વરસાદી ગટરની કામગીરી ગયા વર્ષે શરૂ કરવામાં આવી હતી. વિશ્વામિત્રી બ્રિજ નીચે પાઇપોની કામગીરી અધુરી રહી છે, તેમાં 48 ઇંચ ડાયામીટરના જે પાઇપ નાખવામાં આવ્યા છે, તેમાંથી માત્ર 10 ટકા જગ્યા ખુલ્લી છે. બાકી બધામાં માટી ભરાઈ ગઈ છે. જ્યાં પાઈપો ખુલ્લા છે ત્યાં ચેમ્બરો પણ બનાવી નથી. આવી અધુરી કામગીરીનું પણ 42 લાખ રૂપિયાનું બિલ ચૂકવવામાં આવ્યું છે. રાજમહેલ તરફ જતી પાઇપ લાઇનનું કામ હાલ આગળ પ્લોટીંગની કામગીરીને લીધે બંધ કરવામાં આવ્યું છે. પરિણામે પાણીનો નિકાલ અટકી ગયો છે. જેના લીધે લાલબાગ તળાવ ભરાઈ ગયું છે. આમ પણ લાલબાગ તળાવમાં ગટરના પાણી ઠલવાઈ રહ્યા જ છે. હવે અધુરી કામગીરી માટે ફરી નવા ઇજારદારને શોધવો પડશે. ચોમાસા પહેલા આ કાર્ય પૂરું થઈ જાય તો જ વરસાદી ગટરનો ફાયદો થઈ શકે તેમ છે.