અમદાવાદ, શુક્રવાર
પોલીસ કમિશનર જીએસ મલિકે અમદાવાદ શહેર પોલીસના ડીસીપી, એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી. પોલીસ કમિશનરે કાયદો અને વ્યવસ્થા અનુસંધાનમાં સુચના આપી હતી કે વાહન ચેકિંગ સમયે સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન પડે તે બાબતે પોલીસે ખાસ ધ્યાન રાખવું. તેમજ સરપ્રાઇઝ કામ્બિંગ કરીને ગુનેગારોને શબક શીખવીને લોકોમાં ભય ન રહે તે પ્રકારે કાર્યવાહી કરવી. એટલું જ નહી પોલીસ અધિકારીઓ ઓફિસમાં રહેવાના બદલે ફિલ્ડમાં રહે અને અરજીનો ઝડપથી નિકાલ કરીને જરૃર લાગે ત્યાં ગુનો નોંધીને કાર્યવાહી કરવી. ઉલ્લેખનીય છે કે પોલીસ કમિશનર જી એસ મલિકે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૮૪૬ પાસાની સજા કરી છે. જેમાં ૪૨૫ બુટલેગરોને પાસા કરવામાં આવી છે. જે વર્ષ ૨૦૨૩માં માત્ર ૧૫૨ બુટલેગરો સામે થઇ હતી. આમ, અસામાજીક તત્વો સામે આકરી કાર્યવાહીના સંકેત આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોલીસ કમિશનર જી એસ મલિકે સીક લીવ પર બાદ હાજર થઇને અમદાવાદની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી અને ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક કરી હતી. ત્યારબાદ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ અધિકારીઓ સાથે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.