અમદાવાદ,શુક્રવાર
ગુનેગારોને પકડવા માટે પોલીસ એક સપ્તાહથી રાત દિવસ વાહન ચેકિંગ તથા ડ્રાઇવ સાથે પેટ્રોલિંગના દાવા કરી રહી છે તેવા સંજોગોમાં પણ લૂંટારુ તથા તસ્કર ટોળકી પોલીસને પડકાર ફેંકતી હોય તેમ ધોળા દિવસે લૂંટ અને ચોરીઓ કરી રહી છે. મણિનગરમાં મહિલા તેમની બહેનપણીના ઘરે જમવા માટે ગયા હતા અને ઘરે પરત આવીને જોયુ તો મકાનને તાળું જ ન હતું. અજાણી વ્યક્તિ તાળું તોડીને મકાનમાં પ્રવેશ કરીને બેડરુમની બે તિજોરી તોડીને રોકડા બે લાખ સહિત કુલ રૃા. ૫.૧૮ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. આ બનાવ અંગે મણિનગર પોલીસે ચોરીનો ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મકાનના તાળા તોડી બે તિજોરી તોડીને રોકડા બે લાખ સોના-ચાંદીના દાગીના સહિત લાખોની મતા ચોરી ઃ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી
મણિનગરમાં સ્વામિનારાયણ મંદિર સામે સર્જન એપાર્ટમેન્ટમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા મંજુલાબેન આચાર્ય (ઉ.વ.૬૯)એ મણિનગર પોલીસ સ્ટશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે બપોરે તે તેમની બહેનપણીના ઘરે ગોયણીનો પ્રસંગ જમવા માટે ગયા હતા બપોરે બાર વાગ્યાની આસપાસ ઘરના દરવાજે તાળુ મારીને ગયા હતા. પ્રસંગ પતાવીને ઘરે પરત ફર્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો જોઇને બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.
દરવાજાનું તાળું તુટેલું જોઇને પડોશીએ ચોરી થઇ હોવાની શંકા વ્યક્ત કરીને પોલીસ કંટ્રોલમાં જાણ કરી દીધી હતી. ચોરીનો મેસેજ મળતાની સાથે જ મણીનગર પોલીસની ટીમ ઘટના સ્થળે આવી હતી. ત્યારબાદ મહિલાએ ઘરમાં તપાસ કરતા બન્ને તિજોરીઓ તૂટેલી હતી અને તેમાંથી રોક્ડા રૃા. ૨ લાખ અને સોના-ચાંદીના દાગી સહિત કુલ રૃા. ૫.૧૮ લાખના મતાની ચોરી કરી લઇ ગયા હતા.