વડોદરાઃ કારેલીબાક વિસ્તારની નિવૃત્તિ કોલોની ના મકાનને ડેવલપ કરવા માટે માલિકોએ ભાગીદારી કરાર કર્યા બાદ તેના પર લોન લઇ વિશ્વાસઘાત કરતાં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
સનફાર્મા-અટલાદરા રોડ પર નારાયણ ઓરા ખાતે રહેતા આશિષ ઠક્કરે પોલીસને કહ્યું છે કે,વર્ષ-૨૦૧૪માં મારા મકાન પર લોન હોવાથી રેપ્કો હોમ ફાઇનાન્સના મેનેજર ચિંતન હસમુખલાલ સોની(હિંમતનગર)(હાલ હયાત નથી) મારફતે તેમના સાસુ ઇન્દિરાબેન પટેલ,સસરા અશોક શનુભાઇ પટેલ(કાન્હા રેસિડેન્સી,માણેજા) સાથે સંપર્ક થયો હતો.તેમણે નિવૃત્તિ કોલોનીનું તેમના દાદાનું મકાન વેચવાની વાત કરી હતી.
જેથી મેં અને સ્વ.ચિંતનભાઇએ દ્વારકાપુરી ડેવલોપર્સ નામની પેઢી બનાવી કરાર કર્યો હતો.આ કરાર મુજબ રૃ.૨.૮૦ કરોડમાં મકાન લઇ બાલાજી એન્ટિલિયાના નામે ડેવલપ કરવાનું હતું.પરંતુ મકાન માલિકના વારસ અશોકભાઇ,ઇન્દિરાબેન અને રેપ્કો હોમ ફાઇનાન્સના વેલ્યુઅર નિહિર બળવંતરાય દવેએ ભેગા મળીને ખોટો વેલ્યુએશન રિપોર્ટ બનાવી મારી સહીઓ કરીને રૃ.૭૭ લાખની લોન લીધી હતી. આ મકાનમાં મેં રૃ.સવા કરોડનું રોકાણ કર્યું હતું.પરંતુ આરોપીઓએ ફાઇનાન્સ કંપનીને મકાન સરન્ડર કરી દીધું હતું.જેથી કારેલીબાગપોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.