વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળાની એક શિક્ષિકા પાસે શારીરિક સબંધની માંગણી કરી હેરાન કરતા પ્રિન્સિપાલની સાન ઠેકાણે લાવવા શિક્ષિકાએ અભયમની મદદ લીધી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ,વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની ડભોઇ તાલુકાની એક પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા વડોદરા નજીકના જિલ્લામાંથી આવે છે.આ શિક્ષિકા આચાર્ય સાથે સારી રીતે વાતચીત કરતી હતી.
પરંતુ આચાર્ય ગેરસમજ કરી બેઠા હતા અને તેણે મર્યાદા ઓળંગવા માંડી હતી.આચાર્યએ શિક્ષિકા પાસે શારીરિક સબંધની માંગણી કરતાં તે ચોંકી ઉઠી હતી અને તેણે હું પરિણીત છું આવી વાત વિચારશો પણ નહિ તેમ કહી રોકડું પરખાવી દીધું હતું.
શિક્ષિકાના ઇનકાર બાદ આચાર્ય વધુ ધૂંધવાઇ ગયા હતા અને તેણે બદલો લેવાનું શરૃ કર્યું હતું.કોઇ પણ નાની વાતમાં શિક્ષિકાને ચેમ્બરમાં બોલાવી માનસિક રીતે પજવણી કરતા હોવાથી આખરે કંટાળેલી શિક્ષિકાએ અભયમની મદદ લીધી હતી.અભયમની ટીમે આચાર્યને કાયદાકીય ભાષામાં સમજાવતાં તેણે માફી માંગી હતી અને હવે પછી ક્યારેય આવી ફરિયાદ નહિ આવે તેવી ખાતરી આપી હતી.