New Volvo Bus Start for Kutch Rann Utsav : પ્રવાસનને વધુ વેગ મળે અને વધુમાં વધુ લોકો કચ્છ રણોત્સવનો લ્હાવો લઇ શકે તે માટે જીએસઆરટીસી દ્વારા અમદાવાદ એરપોર્ટથી કચ્છના ધોરડો (સફેદ રણ) જવા માટે વોલ્વો બસની ખાસ સુવિધા શરૂ કરવામાં આવી છે. જેની વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી.
11 નવેમ્બરથી કચ્છ રણોત્સવનો થઇ ચૂક્યો છે પ્રારંભ
2005થી શરૂ થયેલા કચ્છ રણોત્સવની શરૂઆત થઇ ચૂકી છે. દર વર્ષે ગુજરાતના કચ્છમાં રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ રણોત્સવમાં દૂર દૂરથી દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ ઉમટી પડે છે. ત્યારે આ વર્ષ 11 નવેમ્બરથી કચ્છ રણોત્સવનો પ્રારંભ થઇ ચૂક્યો છે, જે 15 માર્ચ 2025 સુધી ચાલશે. એક સમયે કચ્છના રણની માત્ર રણની માટી તરીકે ઓળખ હતી, ત્યારે આજે અહીં ધોરડો ખાતે રણનો ઉત્સવ એટલે રણોત્સવનું ઉજવણી કરવામાં આવે છે. જેના લીધે ટુરિઝમને વેગ મળ્યો છે. અનેક સ્થાનિક લોકો માટે રોજગારીના નવા દ્વારા ખુલી ગયા છે.
ભુજથી ધોરડો જવા માટે બસ સેવા શરૂ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર હર્ષ સંઘવીએ લખ્યું છે કે જીએસઆરટીસીની વોલ્વો બસ સાથે આરામથી યાત્રા કરવા માટે તમારી ટિકિટ બુક કરો અને સફેદ રણની સુંદરતાનો આનંદ માણો. તો બીજી તરફ તાજેતરમાં જ ભુજથી ધોરડો જવા માટે ત્રણ નવી બસો શરૂ કરવામાં આવી છે. જેમાં દરરોજ સવારે 8:30 કલાકે, બપોરે 1:00 કલાકે અને 2:30 કલાકે ઉપડશે. જ્યારે ધોરડોથી ભુજ આવવા માટે દરરોજ સવારે 11:15 કલાકે, સાંજે 6:00 કલાકે અને સાંજે 7:00 કલાકે બસ ઉપડશે.