Ahmedabad Hit and Run: અમદાવાદમાં 23મી નવેમ્બરે એસ. જી. હાઈવે પર હાઈકોર્ટ ઓવર બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક એસયુવી કાર ચાલક બે સાઇકલ સવારને ટક્કર મારીને ભાગી ગયો હતો. ટક્કર બાદ સાઇકલ પર સવાર બંને લોકો દૂર સુધી ફંગોળાયા હતાં. આ ઘટનામાં એક ડોક્ટર અને એક મહિલા ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે પોલીસે આખરે એસયુવી ચાલક પરમ ઉદય વોરાની ધરપકડ કરી લીધી છે.
23મી નવેમ્બરે વહેલી સવારે હાઇકોર્ટ બ્રિજ પર હિટ એન્ડ રનની આ ઘટના બની હતી. વહેલી સવારે કેટલાક તબીબો મિત્રો સાથે સાઈકલિંગ કરી બ્રિજ પરથી સવાર થઈ રહ્યા હતાં. આ દરમિયાન એકાએક પાછળથી કાળા રંગની એસયુવી આવી અને સાઇકલ ચાલક ડો. અનિસ તિવારી અને ક્રિષ્ના શુક્લાને ટક્કર મારી ત્યાંથી ફરાર થઈ ગઈ હતો. પોલીસ સીસીટીવીના આધારે કાળા રંગની એસયુવી ચાલક પરમ ઉદય વોરાને ઝડપી લીધો છે. પરમે વસ્ત્રાપુરની સોસાયટીમાં દારુની મહેફિલ માણી હતી અને દારુના નશામાં અકસ્માત કર્યો હોવાનો પણ દાવો કરાયો છે. પોલીસના મતે આ સમગ્ર બાબત તપાસનો વિષય છે. તે અંગેના કોઈ પુરાવા હજુ નથી મળ્યા.
કોણ છે પરમ વોરા?
પોલીસે જણાવ્યું કે, ‘પરમ વોરા કારમાં એકલો જ બેઠો હતો તેવી માહિતી પ્રાથમિક તપાસમાં મળી છે. સીસીટીવીમાં પણ આજ પ્રકારના પુરાવા મળ્યા છે. 29 વર્ષીય પરમ વોરા છારોડીમાં રહે છે, અને તેની પ્રોપરાઈટી ફર્મ છે. તે સર્જિકલ સાધનો બનાવવાનો બિઝનેસ કરે છે. તેનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી’.
100થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા
આરોપી કેવી રીતે ઝડપાયો તે અંગે પોલીસે જણાવ્યું હતું કે, ‘સીટીટીવી કેમેરામાં પરમ વોરાએ તેની કાર ખોટી રીતે ઓવરટેક કરી હતી તેવું ધ્યાને આવ્યું હતું. ઘટના બાદ 100થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં પહેલાતો કારનો અડધો નંબર મળ્યો હતો, ત્યાર બાદ કારના મોડલ નંબર અને કલરથી તપાસ કરી, તો એક કારનો નંબર તેની સાથે મેચ થયો હતો. આ સાથે વસ્ત્રાપુરની જે સોસાયટીમાંથી તે નીકળ્યો હતો તેના સીસીટીવી પણ ચેક કરાયા હતા.’
અકસ્માત બાદ કાર મુકી ગયો હતો રિપેર કરવા
અકસ્માત સર્જ્યા બાદ પરમ તેની કારને મિકેનિક પાસે રિપેર કરાવવા લઈ ગયો હતો. અને પોતે ઉદયપુર જવાનો છે ચાર દિવસ પછી આવશે તેવું કહી જતો રહ્યો હતો. પોલીસે મિકેનિકની પૂછપરછ કરતા આખરે અકસ્માત સર્જનારની ઓળખ પાકી થઈ હતી.