અમદાવાદ,શનિવાર
અમદાવાદમાં શહેર પોલીસ દ્વારા છેલ્લાં દિવસ દરમિયાન કરવામાં આવેલા કોમ્બીંગ દરમિયાન પોલીસે ચાર હજાર વાહનો અલગ અલગ ગુના હેઠળ જપ્ત કરવાની સાથે ૫૩ લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ડ્રીન્ક એન્ડ ડ્રાઇવ અને પ્રોહીબશનના કુલ એક હજાર કેસ નોઁધવામાં આવ્યા હતા. તે સાથે એમ વી એક્ટ અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આગામી દિવસોમાં પણ પોલીસ દ્વારા વાહનચેકિંગ દરમિયાન ફેન્સી નંબર પ્લેટ, કાળા કાચ ધરાવતા વાહનાના ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ પોલીસે શહેરના તમામ વિસ્તારોમાં વાહનચેકિંગ અને મોટાપાયે કોમ્બીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન પોલીસે ૮૨૫૦૩ જેટલા વાહનોની ચકાસણી કરીને ૭૪૨૫ વાહનચાલકોને મેમો આપીને ૫૩ લાખ રૂપિયાનો દંડ વસુલ્યો હતો.
જ્યારે એમવી એક્ટની કલમ ૨૦૭ મુજબ ચાર હજાર વાહનો જપ્ત કર્યા હતા. આ ઉપરાંત, એમ વી એક્ટ હેઠળ ૩૯૭ અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ૪૨૫ કેસ ગુના નોંધ્યા હતા. પોલીસે વાહન ચેકિંગ અને પેટ્રોલીંગ કરીને ડ્રીન્ક એન્ડ ડ્રાઇવ સહિત કુલ એક હજાર ગુના નોંધ્યા હતા. તેમજ ૩૫૦ લોકો વિરૂદ્ધ અટકાયતી પગલા ભરવામાં આવ્યા હતા. પોલીસે સિધું ભવન રોડ પરની ડ્રાઇવ દરમિયાન બે કરોડ રૂપિયાની કિંમતની કાર સહિત સાતથી વધુ લક્ઝરી કાર જપ્ત કરી હતી.
આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસની કોમ્બીંગ અને વાહનચેકિંગની ડ્રાઇવ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
જેમાં સિંધુ ભવન રોડ, જજીસ બંગ્લો રોડ, શાહઆલમ, દાણીલીમડા, નારોલ, અમરાઇવાડી સહિતના વિસ્તારોમાં મુખ્યત્વે ટ્રાફિકના નિયમોમાં બ્લેક ફિલ્મ, ફેન્સી નંબર પ્લેટ, ઓવર સ્પીડ જેવા ગુનાઆોમાં કાર્યવાહી કરવામાં માટે સુચના આપવામાં આવી છે.