વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટ અને ઈન્ડિયન નોલેજ સ્ટડી સેન્ટરની મુલાકાત માટે આવેલા આરએસએસના એક આગેવાનને પ્રભાવિત કરવા માટે યુનિવર્સિટી સત્તાધીશોએ કરેલા ધમપછાડા અધ્યાપક આલમમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે.
મળતી વિગતો પ્રમાણે તા.૨૬ના રોજ આ આગેવાન મુલાકાતે આવે તે પહેલા વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવે જાતે ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટ અને આ જ કેમ્પસમાં આવેલા ઈન્ડિયન નોલેજ સ્ટડી સેન્ટરની મુલાકાત લીધી હતી અને સાફ સફાઈની તેમજ બીજી જરુરી સૂચનાઓ આપી હતી.એ પછી વીસીની નિકટના ગણાતા એક ડીનને તૈયારીઓના સુપરવિઝન માટે ખાસ બોલાવવામાં આવ્યા હતા.
એવું મનાય છે કે, તાજેતરમાં જ બનાવાયેલા ઈન્ડિન નોલેજ સ્ટડી સેન્ટરના નવા બિલ્ડિંગમાં રાતના બે વાગ્યા સુધી ખુરશી, ટેબલો અને ફર્નિચર ગોઠવવા માટે તંત્રે દોડધામ કરી હતી.સેન્ટરના બેઝમેન્ટમાં રાતોરાત પોસ્ટરો લગાવીને ઈન્ડિયન નોલેજ સિસ્ટમ આધારિત પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું.સાફ સફાઈ કરાવવા આઠ થી દસ કર્મચારીઓની ટીમને તૈનાત રાખવામાં આવી હતી.વાઈસ ચાન્સેલર જાતે આરએસએસના આગેવાનને લઈને મુલાકાત માટે આ બંને સંસ્થાઓમાં આવ્યા હતા.
આગેવાનને કહેવામાં આવ્યું હતું કે, ઈન્ડિયન નોલેજ સ્ટડી સેન્ટરમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે અને ભારતીય સંસ્કૃતિની મહત્તાની જાણકારી આપતા સર્ટિફિકેટ કોર્સ ચલાવવામાં આવે છે.જ્યારે અધ્યાપક આલમમાં ચાલતી ચર્ચા પ્રમાણે તો પાંચ થી ૬ કોર્સ ઓનલાઈન જ શરુ કરવામાં આવ્યા હતા પરંતુ આ કોર્સમાં અત્યારે કોઈ વિદ્યાર્થીઓ જ નથી.
ભાષા ભવનમાં જોર શોરથી સેન્ટરનું લોન્ચિંગ કરાયું હતું
ઉલ્લેખનીય છે કે, સૌથી પહેલા ઈન્ડિયન નોલેજ સ્ટડી સેન્ટરને આર્ટસ ફેકલ્ટીના ભાષા ભવનમાં લોન્ચ કરાયું હતું.જોકે જોર શોરથી શરુ કરાયેલો આ પ્રોજેકટ હજી પણ ડચકા ખાઈ રહ્યો છે.હવે તેના માટે નવું બિલ્ડિંગ બનાવ્યું છે પણ આ સેન્ટરના ભાગરુપે એક પણ સર્ટિફિકેટ કોર્સ ઓફલાઈન શરુ થઈ શક્યો નથી.તેમાં ભણાવવા માટે અધ્યાપકોના પણ ફાંફા છે.સરકાર તરફથી હજી સુધી તેના માટે કોઈ ગ્રાંટ પણ મળી નથી.