– વેસુ કેનાલ રોડ સ્થિત આગમ પેરેમાઉન્ટમાં માત્ર 15 દિવસ પહેલા જ રૂ.14 હજારના પગારથી નોકરીએ રાખેલા યુવાન ઉપર વેપારી અને પરિવારે મુકેલો વધુ પડતો વિશ્વાસ ભારે પડયો
– વેપારી પાસે યુવાનના નામ સિવાય કોઈ વિગત નહોતી છતાં તેને એકલો મૂકી વેપારીની પત્ની અને માતા ગયા ત્યારે ચોરી કરી
સુરત, : સુરતના વેસુ કેનાલ રોડ સ્થિત આગમ પેરેમાઉન્ટ ખાતે રહેતા રાજસ્થાની કાપડ વેપારીએ રૂ.14 હજારના પગારે ઘરઘાટી તરીકે રાખેલો યુવાન માત્ર 15 દિવસમાં પરિવારની ગેરહાજરીનો ફાયદો ઉઠાવી ઘરમાંથી રૂ.25.40 લાખના સોનાચાંદીના દાગીના ચોરી વેપારીએ તેને વાપરવા આપેલું મોપેડ પણ લઈ ફરાર થઈ જતા વેસુ પોલીસે તપાસ શરૂ કરી છે.જોકે, વેપારી પાસે યુવાનના નામ સિવાય કોઈ વિગત ન હોય પોલીસની મુશ્કેલી વધી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાન સીકર ફતેપુરના રામગઢના વતની અને સુરતમાં વેસુ કેનાલ રોડ અગ્રવાલ સ્કુલની સામે આગમ પેરેમાઉન્ટ એ/102 માં પત્ની સાક્ષી, પિતા જગદીશપ્રસાદ, માતા મંજુદેવી અને પાંચ વર્ષની પુત્રી સનાયા સાથે રહેતા 34 વર્ષીય હિતેશભાઈ જગદીશપ્રસાદ અગ્રવાલ સારોલી સ્થિત રઘુવીર પ્લેટીનમમાં વૃષભ ટેક્ષટાઈલના નામે પિતા સાથે કાપડનો વેપાર કરે છે.15 દિવસ અગાઉ તેમના પત્ની અને માતાએ ઘરકામ માટે અંદાજીત 25 વર્ષના વિષ્ણુ યાદવને રૂ.14 હજારના પગારથી નોકરીએ રાખ્યો હતો.વિષ્ણુ તેમના ઘરમાં જ રહેતો હતો અને રસોઈ, સાફસફાઈ તેમજ કપડાં ધોવાનું કામ કરતો હતો.હિતેશભાઈએ તેને પોતાનું મોપેડ પણ વાપરવા આપ્યું હતું.
ગત સવારે સવા નવ વાગ્યે હિતેશભાઈ અને તેમના પિતા દુકાને ગયા હતા.જયારે સવારે 11 વાગ્યે તેમના માતા અને પત્ની ભટાર માર્કેટમાં ખરીદી કરવા ગયા હતા.તે સમયે વિષ્ણુ ઘરમાં એકલો હતો.બપોરે ત્રણ વાગ્યે વેપારીની માતા અને પત્ની ઘરે પરત ફર્યા ત્યારે મુખ્ય દરવાજો બંધ હતો અને ચાવી તેમાં જ હતી.તેઓ દરવાજો ખોલી અંદર ગયા ત્યારે વિષ્ણુ હાજર નહોતો અને બેડરૂમમાં કબાટનું લોક તૂટેલું હતું તેમજ સામાન બેડ ઉપર વેરવિખેર હતો.કબાટમાં રાખેલી બેગ ખુલ્લી હતી અને તેમાં મુકેલા રૂ.25.40 લાખની મત્તાના સોનાચાંદીના દાગીના અને સિક્કાની ચોરી થયાની જાણ થઈ હતી.આ અંગે હિતેશભાઈને જાણ થતા તે ઘરે દોડી આવ્યા હતા અને તપાસ કરતા વિષ્ણુને જે મોપેડ વાપરવા આપ્યું હતું તે પણ નહોતું.
આથી વિષ્ણુ રૂ.25.40 લાખની મત્તાના સોનાચાંદીના દાગીના અને સિક્કા તેમજ રૂ.1 લાખની મત્તાનું મોપેડ મળી કુલ રૂ.26.40 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ હિતેશભાઈએ વેસુ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.જોકે, હિતેશભાઈએ જેના ઉપર વિશ્વાસ મૂકી ઘર સોંપ્યું હતું તે વિષ્ણુ અંગે હિતેશભાઈ પાસે તેના ટૂંકા નામ સિવાય વધુ વિગત ન હોય પોલીસનું કામ મુશ્કેલ બન્યું છે.વધુ તપાસ પીએસઆઈ એ.એમ.વસાવા કરી રહ્યા છે.