ઉર્વિલ : પપ્પા મેં રેકોર્ડ કરી નાખ્યો! આખી પરિસ્થિતિથી અજાણ ઉર્વિલના પપ્પા : શું થયું? શેની વાત કરે છે? ઉર્વિલ : મેં ઈન્ડિયાની ફાસ્ટેસ્ટ સેન્ચુરી મારી છે! ‘પછી તો મેં પપ્પાને આખી વાત કહી, પપ્પા બે દિવસનું બધું જ દુ:ખ ભૂલી ગયા અને એકદમ ખુશ થઈ ગયા. માર
.
ઉર્વિલ પટેલ… છેલ્લા બે દિવસમાં નામ તો સૂના હી હોગા. ઇન્ડિયાની ફાસ્ટેસ્ટ સેન્ચુરી મારનાર મૂળ વડનગરના ઉર્વિલ પટેલનું નામ અત્યારે દરેકનાં મોઢે છે. ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો રેકોર્ડ બનાવ્યો અને નામ ચાલતું થયું એ વાત તો બરોબર, પણ ઇન્ટરેસ્ટિંગ એ છે કે, IPL ઓક્શનમાં ઉર્વિલનું નામ હતું, પણ કોઈ ટીમે ઉર્વિલ માટે બિડ ન લગાવી અને એ અનસોલ્ડ રહ્યો. ઇન્ડિયન લીગની કોઈ ટીમને જે પ્લેયરમાં ઇન્ટરેસ્ટ ન પડ્યો એ જ પ્લેયરે ઓક્શનના બીજા જ દિવસે ફક્ત 28 બોલમાં સેન્ચુરી મારી ઈન્ડિયાની ફાસ્ટેસ્ટ સેન્ચુરી અને વર્લ્ડની સેકન્ડ ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો રેકોર્ડ કરી નાખ્યો. આ ગુજ્જુ બોય ઉર્વિલ સાથે ‘દિવ્ય ભાસ્કર’એ વાત કરી ઓક્શનના દિવસ વિશે અને રેકોર્ડ બન્યો ત્યારે શું થયું હતું એ વિશે જાણ્યું. તો ચલો, ઉર્વિલની સામે સવાલોના બાઉન્સરો નાખવાની શરૂઆત કરીએ.
‘પપ્પાનું સપનું પૂરું ન થયું પણ મને ક્રિકેટર બનાવ્યો’ વડનગરની બાજુના કહીપુર ગામના મેહોણી ક્રિકેટર ઉર્વિલ પટેલે વાતની શરૂઆત કરી, ‘મારા પપ્પા PTના ટીચર છે. એમનો એક જ ગોલ હતો કે ‘હું સ્પોર્ટ્સમાં મારું કરિયર બનાવું.’ કેમ કે પપ્પા એમના કોલેજ સમયમાં એથ્લીટ હતા, પણ ફેમિલી કન્ડિશન એટલી સારી નહોતી એટલે સ્પોર્ટ્સમાં એમનું કરિયર ન બનાવી શક્યા. એટલે હું 6 વર્ષનો હતો ત્યારથી જ પપ્પાએ મને ક્રિકેટની પ્રેક્ટિસ શરૂ કરાવી દીધી હતી. પાલનપુરમાં પ્રકાશભાઈ પટણીને ગુરુ બનાવ્યા અને એમની પાસેથી ક્રિકેટની પ્રોફેશનલ ટ્રેનિંગ લેવાની શરૂ કરી. એજ્યુકેશનમાં તો મારા પપ્પા જે હાઇસ્કૂલમાં છે ત્યાં જ મેં એડમિશન લીધું અને 12 સુધી ભણ્યો. 12 પછી BAમાં એડમિશન લીધું અને અત્યારે એ ચાલુ જ છે. અત્યાર સુધી તો ફુલટાઈમ ક્રિકેટ જ રમ્યો છું, પણ હવે સ્પોર્ટ્સ ક્વોટાના કારણે ઇન્કમ ટેક્સમાં ટેક્સ આસિસ્ટન્ટની પોસ્ટ પર મને જોબ મળી છે.’
વડોદરા તરફથી રમતી વખતે જ ગુજરાતની ટીમે ઓફર કરી કેટલા ટાઈમથી પ્રોફેશનલ ક્રિકેટ સાથે જોડાયેલા છો? ઉર્વિલ કહે, ‘છેલ્લાં 12 વર્ષોથી હું પ્રોફેશનલી ફુલટાઈમ ક્રિકેટ જ રમું છું, જે ટુર્નામેન્ટ BCCI દ્વારા જ થતી હોય. 2012માં હું પહેલી વાર અન્ડર-14 સ્ટેટ ટુર્નામેન્ટ રમ્યો હતો. વર્ષો સુધી હું વડોદરાની ટીમ તરફથી રમ્યો, પણ 2017માં મને ગુજરાતની ટીમ તરફથી રમવાની ઓફર મળી. ગુજરાતની ટીમ તરફથી રમવામાં મને કરિયરનો સ્કોપ વધારે લાગ્યો અને તક પણ વધુ હતી. એટલે ત્યારથી વડોદરાની ટીમ છોડી અને અત્યારે ગુજરાત તરફથી જ રમું છું. અત્યાર સુધીમાં રણજી ટ્રોફીની 6 મેચ રમી છે, વિજય હઝારે ટ્રોફીની 14 મેચ અને મુસ્તાક અલી ટ્રોફીની 45 મેચ રમી છે. (ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ માટે ગુજરાત રાજ્યની કુલ 3 ટીમ છે : ગુજરાત, સૌરાષ્ટ્ર અને વડોદરા)
દુનિયાની બીજા નંબરની અને ઈન્ડિયાની ફાસ્ટેસ્ટ સેન્ચુરી આ ફાસ્ટેસ્ટ સેન્ચુરી પહેલાં બનાવેલા બીજા કોઈ રેકોર્ડ? ઉર્વિલ ગર્વ સાથે કહે, ‘આ પહેલાં વન-ડેમાં ઈન્ડિયાની સેકન્ડ ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો રેકોર્ડ પણ મારી પાસે જ હતો. ફર્સ્ટ ઉપર 40 બોલમાં યુસુફ પઠાણની ફાસ્ટેસ્ટ સેન્ચુરી હતી અને સેકન્ડ નંબર પર 41 બોલમાં મારી સેન્ચુરી હતી. એ પછી અત્યારે 20 ઓવરની મેચમાં 28 બોલમાં સેન્ચુરી મારી ઈન્ડિયાની ફાસ્ટેસ્ટ સેન્ચુરી મારી છે. ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો વર્લ્ડ રેકોર્ડ 27 બોલમાં છે, એટલે હું અત્યારે વર્લ્ડમાં સેકન્ડ નંબર પર છું.’
2023માં હું GT તરફથી રમ્યો હતો તમે IPL ઓક્શનમાં ક્યારથી ભાગ લો છો? ઉર્વિલ કહે, ‘છેલ્લા 6 વર્ષથી એટલે 2018થી BCCI દ્વારા ઓક્શનમાં મારું નામ મુકાય છે. પણ 2023ની IPL માટે પહેલીવાર મારું સિલેક્શન થયું હતું. ગુજરાત ટાઈટન્સની ટીમે મને 20 લાખમાં ખરીદ્યો હતો. એ વર્ષે હું ફક્ત ટીમમાં હતો પણ કોઈ મેચમાં રમ્યો નહોતો. એ પછી ગયા વર્ષે એટલે કે 2024ની IPLમાં પણ મારું સિલેક્શન નહોતું થયું અને આ વર્ષે પણ ન થયું. દર વર્ષે હજુ હું બેઝ પ્રાઇઝ જ રાખું છું. દર વર્ષે 20 લાખ હોય છે, પણ આ વર્ષે BCCIએ 10 લાખ વધાર્યા હતા એટલે આ વર્ષે 30 લાખ હતા.’
‘હું ઘરે ફોન જ નહોતો કરી શક્યો’ ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા ત્યારે કેટલું દુ:ખ થયું હતું? ઉર્વિલ કહે, ‘IPLમાં જવું તો દરેકનું સપનું હોય છે. IPLનો ક્રેઝ એટલો વધી ગયો છે અને હવે તો IPL ઇન્ડિયન ટીમનો એન્ટ્રી ગેટ બની ગયો છે. એ ટાઈમ પર સિલેક્શન ન થયું એટલે બહુ જ ડિસપોઇન્ટમેન્ટ હતું. પણ ક્રિકેટે એટલું શીખવાડ્યું છે કે જે થાય છે એ બધું સારા માટે જ થાય છે એટલે એક દિવસ દુ:ખ રહ્યું, પણ પછી બધું ભૂલીને ફરી ક્રિકેટ પર લાગી ગયો.’ ‘ઘરે વાત કરી તો એ લોકોએ શું કહ્યું?’ ‘નહોતી કરી, ઘરે વાત જ નહોતી કરી. કેમ કે મને ખબર હતી કે હું અહીં દુ:ખી છું તો મારાં મમ્મી, પપ્પા, બહેન પણ એટલાં જ દુ:ખી હશે. એક દિવસ તો વાત જ ન કરી અને પછી બીજા દિવસે પપ્પાનો સામેથી ફોન આવ્યો ત્યારે થોડી વાત કરી શક્યો અને ધીમે ધીમે બધું નોર્મલ થયું.’
‘સેન્ચુરી મારી ત્યારે પિચ પર ગયો એ પહેલાં જ નક્કી હતું’ 25 તારીખે ઓક્શનમાં તમે સિલેકટ ન થયા અને 27 તારીખે જ ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો રેકોર્ડ બનાવ્યો. તો મેન્ટલી રિકવરી કેવી રીતે થઈ કે પછી ગુસ્સામાં હતી સેન્ચુરી? ઉર્વિલ કહે, ‘ના ના, ગુસ્સો તો શું કરવાનો એમાં? એમ પણ ગ્રાઉન્ડ પર જઈએ એટલે બધું ભૂલીને જ જઈએ. એ દિવસે હું બસ ખાલી મારી નોર્મલ ગેમ જ રમતો હતો. એ દિવસે અમે શરૂઆતથી જ નક્કી કરીને ગયા હતા કે આજે બને એટલી જલ્દી મેચ જીતીશું. કેમ કે હવે લીગ સ્ટેજ પછી નોકઆઉટ આવશે, એમાં ઘણી ટીમના પોઈન્ટ સરખા છે. તો ત્યારે ટીમની રનરેટ જ ઇમ્પોર્ટન્ટ છે. 20 ઓવરની ગેમ અમે 10 ઓવરમાં જ જીતી ગયા એટલે રનરેટ અમારી ઘણી સુધરી ગઈ.’
‘પપ્પા અને ફેમિલીને ખુશ જોઈને મને થોડી શાંતિ થઈ’ સેન્ચુરી પછી ઓક્શનનું કંઈ દુ:ખ હતું? ઉર્વિલ કહે, ‘ઓબ્વિયસલી! IPL ઓક્શનનું દુ:ખ તો આખું વર્ષ રહેશે. પણ આનાથી ઘણી રિકવરી 100% થઈ. હું રોજે સાંજે ઘરે ફોન કરતો હોઉ છું પણ સેન્ચુરી મારી એ દિવસે મેચ પૂરી કરી સીધો જ પહેલાં ઘરે ફોન કર્યો. બે દિવસથી હું અને પપ્પા બંને નર્વસ હતા. એટલે બેટિંગ પૂરી બહાર આવી સીધો જ પપ્પાને ફોન કર્યો, ‘પપ્પા મેં રેકોર્ડ કરી દીધો!’ પપ્પા ત્યારે મેચ જોતાં નહોતા એટલે એમને ખબર જ નહોતી. એમણે સામે પૂછ્યું, ‘શું થયું?’ મેં આખી વાત કીધી અને પછી તો પપ્પા પણ એકદમ ખુશ થઈ ગયા. હું ત્યારે હજુ એટલો ખુશ નહોતો પણ પપ્પા અને ફેમિલી ખુશ થયું એટલે મને વધારે મજા આવી. ઓક્શનમાં સિલેકટ ન થયો પણ આ અચિવમેન્ટથી પણ બધા મને ઓળખતા થયા, એટલે સેલિબ્રેશનનો ટાઈમ તો હતો જ. પણ આખું વર્ષ IPL માટે સપનું જોયું હોય અને હવે એન્ડ ટાઈમે સિલેક્શન ન થયું એટલે દુઃખ તો રહેવાનું જ. IPLમાં સિલેક્ટ ન થયાનું દુ:ખ હજુ ય દિલમાં છે.’
તમારે IPL ઓક્શનમાં નામ મૂકવું છે? IPL ઓક્શન માટેના ક્રાઇટેરિયા શું હોય છે? મતલબ કે કોનું નામ ઓક્શન માટે મુકાશે એ કેવી રીતે નક્કી થાય? ઉર્વિલ કહે, ‘એના માટે તો સ્ટેટ ટીમ જ નક્કી કરે. તમે જે ક્રિકેટ એસોસિએશન (જેમ કે ગુજરાત ક્રિકેટ એસોસિએશન, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન) તરફથી રમતા હોય એ લોકો આખા વર્ષનું પર્ફોર્મન્સ જોઈને થોડા ચુનિંદા પ્લેયરને ફોર્મ મોકલે. અમારી પાસે ફોર્મ આવે એટલે એટલે જો અમારી ઈચ્છા હોય તો અમારે એ ફોર્મ ભરીને BCCIમાં મોકલી દેવાનું. BCCI પાસે આ લિસ્ટ આવે પછી બધી IPL ટીમ પાસે નામ જાય. જેમાં દરેક ટીમ પોતાનો ઇન્ટરેસ્ટ બતાવે અને ટાર્ગેટ પ્લેયર સિલેક્ટ કરે. એમાંથી જેટલાં નામ શોર્ટલિસ્ટેડ થાય એ લોકોનાં નામ ઓક્શનમાં મુકાય. ’
‘ફર્સ્ટ ટાઈમ GTના કેમ્પમાં હતો એટલે નર્વસ હતો’ 2023ની IPLમાં GT સાથે રમ્યા ત્યારે કેવો એક્સપિરિયન્સ રહ્યો હતો? ઉર્વિલ એ દિવસો યાદ કરતાં ખુશીથી કહે, ‘એ તો બહુ મજાનો ટાઈમ હતો, અઢી-ત્રણ મહિના ક્યાં નીકળી ગયા ખબર જ ન પડી. ઇન્ટરનેશનલ ટીમના સારા-સારા પ્લેયરો સાથે રહેવાનું, એ લોકો સાથે પ્રેક્ટિસ કરવાની, એટલે ઘણું શીખવા પણ મળે. હું GT સાથે હતો તો અમારા કેમ્પમાં પણ એટલી મજા આવતી. વાતાવરણ પણ એટલું મસ્ત હતું કે બધાને બહુ જ મજા આવતી. મોટા પ્લેયરો હોય એમ એટિટ્યુડ પણ વધારે, એ બધા પ્લેયરો પાસેથી પ્લાન કેવી રીતે એક્ઝિક્યુટ કરવો એ ઘણું શીખવા જેવુ. અમે ત્યાં ફર્સ્ટ ટાઈમ હોઈએ એટલે થોડી નર્વસનેસ પણ ફીલ થાય, પણ એ સિનિયર પ્લેયરો ક્યારેય એવું લાગવા ન દે કે આપણે નવા છીએ. અમે કંઈ પણ શીખવા જઈએ તો એ લોકો ઓલ્વેઝ સારી રીતે જ જવાબ આપે. હું વિકેટકીપર છું અને રિદ્ધિમાન સાહા બંને વિકેટ કીપર એટલે એમની સાથે મારે વધારે સારું બોન્ડિંગ હતું.’
‘જ્યારે ધોની અને કોહલીને મળ્યો’ તમને કયા પ્લેયર સાથે સૌથી વધારે મજા આવી? ઉર્વિલ આઇપીએલના દિવસો યાદ કરતાં કહે, ‘સૂર્યકુમાર યાદવ મારો ફેવરિટ પ્લેયર છે. એમની સાથે વાત કરીને મને સૌથી વધારે મજા આવી. એમની બેટિંગ મને બહુ જ ગમે છે એટલે મેં પૂછ્યું હતું કે, ‘તમે ગ્રાઉન્ડ પર જાઓ ત્યારે મેન્ટલી શું વિચારીને જાઓ છો?’ એમણે મને કહ્યું હતું કે, ‘બિન્દાસ પોતાની જાતથી બેટ કરવાનું. સામે કોઈ પણ હોય એ કંઈ નહીં જોવાનું. ખાલી તારી જે ટેકનિક હોય એનાથી બિન્દાસ રમવાનું.’ એ સિવાય હાર્દિક પંડયા અમારા કેપ્ટન હતા. એમના જેટલો એટિટ્યુડ કોઈનામાં નહીં હોય, એ માણસ નંબર-1 છે. કેમ કે એમને ખુદની પર એટલો ભરોસો છે. એમની પાસેથી નાની નાની વસ્તુ ઘણી શીખવા મળે. એ સિવાય ધોની અને કોહલીને મળ્યો ત્યારે પણ મારા માટે ગર્વની વાત હતી. બહારની પબ્લિકને એવું લાગતું હશે કે આ લોકો બહુ જ મોટા હશે, ઘમંડી હશે. પણ આ લોકો તો એકદમ નોર્મલ છે. એ તમને એવું લાગવા જ ન દે કે એ આટલા મોટા લેજન્ડ છે, અમારી સાથે રહેતા પ્લેયર સાથે વાત કરતા હોઈએ, એવું જ લાગે.’