સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અઢી વર્ષ બાદ આવતીકાલે એકેડેમિક કાઉન્સિલની બેઠક મળી રહી છે. જેના એજન્ડામાં એક સાથે મંજૂરી માટે 500થી વધુ આઈટમ મૂકવામાં આવી હોવાનું સામે આવ્યું છે જેનાથી એવું લાગી રહ્યું છે કે, એકેડેમિક કાઉન્સિલના સભ્યોએ રોબોટ બનવું પડશે. કારણ
.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બુધવારે સવારે 11 વાગ્યે મળવાની છે જેનો એજન્ડા મંગળવારે સવારે એકેડેમિક કાઉન્સિલના 80 જેટલા સભ્યોને ઇ-મેલ મારફત મોકલવામાં આવ્યો છે. જેમાં પરિશિષ્ટ સહિત 500 જેટલા પેજ છે પરંતુ એક જ દિવસમાં આટલા બધા પેજ વાંચવાની આવડત સામાન્ય માનવીમાં તો નહીં જ પરંતુ રોબોટમાં હોઈ શકે. જેથી એકેડેમિક કાઉન્સિલના સભ્યો ગણાતા 14 ફેકલ્ટીના ડીન, અધરધેન ડીન, 60 જેટલા બોર્ડના ચેરમેનમાં એવી ચર્ચા ઉઠી છે કે, શું એકેડેમિક ઓફિસર ચંદ્રેશ કાનાબાર તમામ સભ્યોને શું રોબોટ સમજે છે? કે એક સાથે એક જ વખતની બેઠકમાં 469 જેટલી આઈટમને મંજૂરી આપી શકાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લે વર્ષ 2022માં એકેડેમિક કાઉન્સિલની બેઠક મળી હતી. ત્યાર બાદ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ અમલમાં આવ્યો હતો અને તેના આધારે એકેડેમીક કાઉન્સિલની રચના કરવાની હતી, પરંતુ વહીવટી કારણોસર એકેડેમિક કાઉન્સિલ રચી શકાઇ ન હતી, પરંતુ બાદમાં ગેજેટ પસાર થતાં યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જ અલગ અલગ પ્રકારના 60 જેટલા બોર્ડ બનાવવામાં આવ્યા છે, જેમાં મોટાભાગે ડીન, અધર ધેન ડીન અને ભવન અધ્યક્ષોએ પોતાની મનમાની ચલાવી છે અને લાયકાત વાળા તેમજ સિનિયર અધ્યાપકોને બદલે લાગતા વળગતાને જે તે વિષયના બોર્ડના ચેરમેન બનાવી દીધા છે.
દરમિયાન આવતીકાલે મળનારી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજના ચાલુ, કાયમી, વધારાના અને નવા જોડાણને મંજૂરી આપવામાં આવશે. જેમાં યુનિવર્સિટી સંલગ્ન ખાનગી કોલેજ દ્વારા નવા કોર્સના જોડાણ માંગવામાં આવ્યા છે. જેમાં લોકલ ઇન્કવાયરી કમિટીનો રિપોર્ટ તો છે, પરંતુ હકીકતમાં તે કોલેજમા નવું કે વધારાનું જોડાણ આપવા માટે પૂરતો સ્ટાફ છે કે કેમ?, આચાર્ય, PTI કે ગ્રંથપાલ છે કે નહીં?, કોલેજમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે લેબોરેટરી સહિતની પૂરતી સુવિધા છે કે નહીં? જે તે કોર્સ માટે સીટની માંગણી કરવામાં આવી છે તેટલા વિદ્યાર્થીઓ કોલેજમાં બેસીને ભણી શકે તે પ્રમાણેના વર્ગો છે કે નહીં. આ તમામ બાબતો તપાસી શકાશે નહીં અને મંજૂરી આપી દેવામાં આવશે. જેનાથી વિદ્યાર્થીઓના ભણતર ઉપર ગંભીર અસર પડશે.