8 કલાક પેહલા
- કૉપી લિંક
ડો. પૃથુલ મહેતા
યમિત બચત અને સમયાંતરે રોકાણ વ્યક્તિગત અને પારિવારિક નાણાંકીય સુરક્ષા માટે ખૂબ જરૂરી છે. નિયમિત બચત નાણાંકીય સ્થિરતા અને સુરક્ષા વધારે છે. એટલું જ નહીં, એક પ્રકારની માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ પ્રદાન કરે છે. આકસ્મિક સમય દરમિયાન બચત કે રોકાણ સાચા મિત્રની ગરજ સારે છે. વૃદ્ધાવસ્થા દરમિયાન બચત આર્થિક બફરનું કામ કરે છે, પણ ઘણી વાર કસુવાવડની જેમ FD પાકે, તે પહેલાં જ તેનું કરુણ મૃત્યુ થઈ જાય છે. લાંબા ગાળાનાં રોકાણ બાબતે કેટલાક વિશિષ્ટ નક્ષત્રો આપણને અવશ્ય મદદરૂપ થઈ શકે છે. શુભ કે માંગલિક પ્રસંગોની વાત હોય કે પછી વાહન કે ઝર-ઝવેરાતની ખરીદીની! મુહૂર્ત જોવાની પ્રથા આજે પણ અખંડ છે, પરંતુ બેંકમાં નવું ખાતું ખોલાવવા કે FD મૂકતાં સમયે મુહૂર્તનો વિચાર કોઈના મનમાં આવતો નથી. कालः शुभ क्रिया योग्यो मुहूर्त इति कथ्यते। અર્થાત્ જે કાળ (સમય)ની ઊર્જા શુભ કાર્ય માટે યોગ્ય છે, તેને મુહૂર્ત કહેવામાં આવે છે. મુહૂર્ત એટલે વિશેષ શુભ ઊર્જા! આ ઊર્જાનો ઉપયોગ નાના-મોટા દરેક કાર્યોમાં કરવાથી સારા પરિણામ મળવાની શક્યતા વધી જાય. શુભ મુહૂર્ત દરમિયાન કરેલા કાર્યોમાં નુકસાન ઓછું અને લાભ અધિક મળવાની શક્યતા રહેલી છે. સફળતા કે નિષ્ફળતાનો આધાર અવશ્ય મૂળ કુંડળીના બળ પર રહેલો છે. છતાં મુહૂર્ત સુરક્ષિત ભવિષ્યનો મજબૂત પાયો છે. જો બાંધકામ નિર્બળ હશે તો ઇમારતનું આયુષ્ય ઘટી જશે. જે દિવસે બચત કરેલી પૂંજીનું રોકાણ કરવા જઈ રહ્યા હો અને તે દિવસની ગ્રહ-નક્ષત્રની ઊર્જા પ્રતિકુળ હશે, તો રોકાણ કે FD લાંબો સમય ટકી નહીં શકે અને વૃદ્ધાવસ્થાનો સાથી મધદરિયે સાથ છોડીને જતો રહેશે. વર્ષો સુધી થાપણ અકબંધ અને સ્થિર રહે તે માટે જ્યોતિષશાસ્ત્રના સંદર્ભે ચોક્કસ નક્ષત્રોની પસંદગી શ્રેષ્ઠ વિકલ્પ ગણી શકાય. અભિજીત સહિત કુલ 28 નક્ષત્રો મુહૂર્તશાસ્ત્રનાં અંગો છે. દરેકનું આગવું મહત્ત્વ છે. નક્ષત્રોને તેમના ગુણ-દોષોના આધારે સાત વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ સાત વિભાગો સાથે સપ્તાહના સાત વારોનો સંબંધ પણ રસપ્રદ છે. મહર્ષિ વશિષ્ઠ દ્વારા પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 1. ધ્રુવ નક્ષત્ર (સ્થિર) 2. ચર નક્ષત્ર (ચલ/ચલાયમાન) 3. ઉગ્ર નક્ષત્ર (ક્રૂર) 4. મિશ્ર નક્ષત્ર (સામાન્ય) 5. ક્ષિપ્ર નક્ષત્ર (લઘુ) 6. મૃદુ નક્ષત્ર (મૈત્ર) 7. તીક્ષ્ણ નક્ષત્ર (દારુણ) આ સાત પ્રકારોમાં ‘ધ્રુવ’ નક્ષત્રની શ્રેણીમાં સમાવિષ્ટ નક્ષત્રો નવું ખાતું ખોલવા કે FD મૂકવા માટે શ્રેષ્ઠ છે. સંસ્કૃતમાં ‘ધ્રુવ’ શબ્દનો અર્થ નિશ્ચિત થાય છે. ધ્રુવ નક્ષત્રની શ્રેણીમાં આવતા નક્ષત્રોમાં સ્થિરતાનો ગુણ હોવાથી આ નક્ષત્રોને ‘સ્થિર નક્ષત્ર’ તરીકે ઓળખવામાં આવે છે. ‘યથા નામ તથા ગુણ’ – જે કામમાં સ્થિરતાની જરૂર હોય તેવા કાર્યો માટે આ નક્ષત્રોની પસંદગી કરવાનું વિધાન મુહૂર્તશાસ્ત્રના ગ્રંથોમાં છે. રોહિણી, ઉત્તરા-ફાલ્ગુની, ઉત્તરા-ભાદ્રપદ અને ઉત્તરાષાઢા – આ ચાર નક્ષત્રો ધ્રુવ (સ્થિર) નક્ષત્રની શ્રેણીમાં સમાવિષ્ટ છે. આ નક્ષત્ર દરમિયાન કરેલા કાર્યોમાં સ્થિરતા દેખાય એટલે લાંબા ગાળા સુધી તેની અસર રહી શકે. વિવાહ-સંસ્કાર, ઉપનયન-સંસ્કાર, ભવન નિર્માણ, શિલાન્યાસ, વેપાર-આરંભ, ગૃહપ્રવેશ, વૃક્ષારોપણ, ગ્રહશાંતિ વગેરે જેવા કાર્યો માટે સ્થિર નક્ષત્ર ઉત્તમ ગણાય. પદ-ગ્રહણ, મંદિર નિર્માણ અને વિદ્યાભ્યાસ બાબતે પણ આ નક્ષત્રો શુભ છે. અગ્નિની સાક્ષીએ ભેગા થવું અને અગ્નિની સાક્ષીએ છૂટા પડવું એ આપણા સનાતન સંસ્કાર છે. તેથી વિવાહ માટે ઉપરોક્ત ચાર નક્ષત્રો સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જોકે વિવાહના દિવસનું ગ્રહોનું ગોચર ભ્રમણ ચકાસવું પણ તેટલું જ આવશ્યક છે. રોહિણી નક્ષત્રના દિવસે ગોચરમાં ચંદ્ર સાથે શનિ, રાહુ કે કેતુ જેવા ગ્રહોનો સંબંધ થતો હોય, તો આ દિવસ પસંદ કરવો યોગ્ય નથી. તેનાથી ઊલટું, જો સ્થિર નક્ષત્ર આધારિત કાર્ય કરવું છે અને તે દિવસે ચંદ્ર સ્થિર નક્ષત્રમાં હોય. તદુપરાંત, ચંદ્ર સાથે બુધ, ગુરુ કે શુક્ર જેવા શુભ ગ્રહોનો સંબંધ થતો હોય, તો પ્રસંગ દરમિયાન ઉમંગ-ઉલ્લાસ દેખાશે. જે મિત્રોને વારંવાર નોકરી બદલવાનો યોગ ઊભો થતો હોય એટલે કે નોકરીમાં સ્થિરતાનો અભાવ વર્તાય છે, તો ચંદ્ર જે દિવસે સ્થિર નક્ષત્રમાં હોય તે દિવસે નવી જોબ શરૂ કરવી જોઈએ. જો મૂળ કુંડળી શુભ હશે તો અવશ્ય શુભ પરિણામ દેખાશે અને નોકરીમાં સ્થિરતા જણાશે. આમ, દરેક પ્રશ્નનો હલ જ્યોતિષશાસ્ત્ર પાસે છે. કોઈનો સાથ મળે કે ન મળે, શાસ્ત્રના સૂત્રો હર હંમેશાં દરેક પરિસ્થિતિમાં સાચા મિત્રની જેમ માર્ગદર્શન આપવા માટે અડીખમ ઊભા છે.