સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન વિસ્તારમાંથી પસાર થતો અને સુરત પલસાણાને જોડતા મહત્વના 45 મીટરના રોડ પરના દબાણ દૂર કરવાની કામગીરી લિંબાયત ઝોન દ્વારા કરવામાં આવી હતી.
ગોડાદરા-દેવધ વિસ્તારમાં આવેલા ટી પી અને ડીપી રોડ પરથી દબાણ હટાવી 5250 ચો.મી રોડ ખુલ્લો કરાયો છે. જેના કારણે આ રોડ પર આવેલા દેલાડવા, ડીંડોલી, કરાડવા વિગેરેના વસવાટ કરતા લોકોને અવર-જવર માટે ટ્રાફિક સમસ્યા હળવી થશે.
સુરત પાલિકા દ્વારા છેલ્લા કેટલાક વખતથી પાલિકાના ટીપી અને ડીપીમાં જે રોડ જાહેર કરાયા હોય તે રોડ પર દબાણ છે તે દબાણો દુર કરવા સાથે અનામત પ્લોટનો કબ્જો લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે આજે લિંબાયત ઝોન દ્વારા પણ સુરત પલસાણા ને જોડતા મહત્વના રોડ પરથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
લિંબાયત ઝોને ડ્રા.ટી.પી.સ્કીમ નં.૬૯ (ગોડાદરા-ડીંડોલી),ફા.પ્લોટ નં. ૧૪૭ થી ફા.પ્લોટ. ૧૫૪/એ સુધી સુડા બાઉન્ડ્રીને લાગુ 45મીટરની પહોળાઈ ધરાવતો ટી.પી.-ડી.પી. ઘણો જ મહત્વનો રોડ છે. આ રોડ ગોડાદરા-દેવધ રોડ તથા સુરત પલસાણા રોડને જોડી રહ્યો છે. આ રોડ પર સુરત ભુસાવલ રેલ્વે લાઈન પર રેલ્વે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે.
આ મહત્વના રોડ પર કેટલીક જગ્યાએ દબાણો કરાયા હતા અને 10 જેટલી કોમર્શિયલ મિલ્કતોના પણ વધતા ઓછા દબાણ હોવાથી રોડ સાંકડો થતો હતો અને ટ્રાફિક સમસ્યા થતી હતી. આજે લિંબાયત ઝોન દ્વારા પર સુરત મહાનગરપાલિકા તરફથી રસ્તા હેઠળની ખુલ્લી જમીન પર ફેન્સીંગ, ચેઈન લીંક તેમજ કમ્પાઉન્ડ વોલ કરવામાં આવી હતી તે દૂર કરવામાં આવી હતી.
આ ઉપરાંત 10 કોર્મશિલય મિલ્કતોના બીમ, કોલમ અને પતરાના શેડ તથા ચણતર ની દિવાલો પણ તોડવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી કરીને 550 રનીંગ મીટર તથા 52500 ચો.મી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
આ રોડ પરથી દબાણ હટાવવાની કામગીરી થવાથી આ વિસ્તારમાં આવેલા લાડવા, ડીંડોલી, કરાડવા વિગેરેના વસવાટ કરતા લોકોને અવર-જવર માટે ટ્રાફિક સમસ્યા હળવી થતા લોકોને રાહત થશે.