Hit and Run Case : અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા અકસ્માતોએ શહેરીજનોની ચિંતામાં વધારો કર્યો છે. ઓવરસ્પીડના દિવાના બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જીને હાહાકાર મચાવી રહ્યા છે. પોલીસ તંત્ર નાઇટ કોમ્બિંગના નામે નાટકો કરી રહી છે. તો બીજી તરફ અમદાવાદમાં ધોળા દિવસે હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે.
ત્યારે આજે સવારે (શુક્રવારે) પોલીસ બેડામાં ફરજ બજાવતાં શારદાબેન ડાભી ડ્યૂટી બજાવીને પોતાની એક્ટિવા પર પરત ફરી રહ્યા ત્યારે એક કારચાલકે રિવરફ્રન્ટ રોડ પર ટક્કર મારતાં તેમનું નિધન થયું છે. અસ્કમાતની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ડફનાળા પાસે આજે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ હતી. જેમાં પોલીસ ખાતામાં ફરજ બજાવતાં શારદાબેન ડાભી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કાર્યક્રમમાં ફરજ બજાવી પોતાની એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે અજાણ્યા કાર ચાલકે તેમની એક્ટિવાને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતમાં પોલીસકર્મી શારદાબેન ડાભીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
હિટ એન્ડ રનની ઘટનામાં મોપેડ સવાર વૃદ્ધનું મોત
ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે અને તેની સાથે હિટ એન્ડ રનમાં બનાવો પણ સતત વધતા જોવા મળ્યા છે. ત્યારે ગુરૂવારે સાંજે દહેગામના રખિયાલ મોડાસા રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં મોપેડ સવાર વૃદ્ધનું મોત થયું હતું. જે સંદર્ભે રખિયાલ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરીને તેને પકડવા માટે દોડધામ શરૂ કરી છે.
લોકો ભલે કમોતે મરે, સરકારને કોઇ જ વાંધો નથી
અમદાવાદમાં માલેતુજાર નબીરાઓ મધરાતે દારૂ પીને છાકટા બની જાય છે અને હિટ એન્ડ રનને અંજામ આપે છે. હમણાં જ બોપલના એક નબીરાને લોકોએ ફટકાર્યો પણ પોલીસે કાયદો-વ્યવસ્થાના નામે તેને રક્ષણ આપી સવારે કોર્ટમાં રજૂ કર્યો અને ક્ષણવારમાં જામીન પર છૂટી પણ ગયો. ભાજપના સંસ્કારી નેતાઓને આવી ઘટનાઓ સામાન્ય લાગે છે. અત્યાર સુધી એમ લાગતું હતું કે દારૂ બનાવવા, વેચવા અને પીવા માટે સેટીંગ ચાલે છે પરંતુ ઓવરડોઝમાં ડ્રાઇવિંગ કરીને અકસ્માત સર્જે તો પણ તેને છોડાવવાના સેટીંગ ચાલે છે. પરંપરા અને સંસ્કારની વાતો વચ્ચે વાસ્તવિકતા એવી છે કે ગુજરાત નશામાં ઝૂમી રહ્યું છે. લોકો કમોતે મરે તો સરકારને કોઇ વાંધો નથી. 2024ના છ મહિનામાં જ દારૂ પીને વાહન ચલાવવાના 14775 કિસ્સા નોંધાયા છે, જ્યારે 2020 થી 2023 દરમિયાન હિટ એન્ડ રનના 4860 કેસોમાં 3449નાં મોત થયાં છે અને 2720ને ઇજાઓ થઇ છે.