અમદાવાદ,ગુરૂવાર
બીઝેડ ફાઇનાન્સના નામે કરવામાં આવેલી કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં સીઆઇડી ક્રાઇમની તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. જેમાં સીઆઇડી ક્રાઇમના અધિકારીઓને જાણવા મળ્યું હતું કે ભુપેન્દ્રસિંહ ઝાલાએ કરોડો રૂપિયા ઉઘરાવવા માટે મલ્ટી લેવલ માર્કેટીંગ સાથે જોડાયેલા કેટલાંક લીડર્સનો સંપર્ક કરીને તેમને બીઝેડ ફાઇનાન્સમાં વિવિધ સ્કીમમાં રોકાણ લાવવાની સામે લલચામણી ઓફરની સાથે અન્ય એજન્ટ કરતા વધારે કમિશન આપવામાં આવતું હતું. જેના કારણે ૫૦૦થી વધુ મલ્ટી લેવલ માર્કેટીંગના લીડર્સને સાથે રાખીને કરોડો રૂપિયા ખંખેર્યા હતા. જેથી આ દિશામાં પણ સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ભુપેન્દ્રસિંહ ઝાલાએ બીઝેડ ફાઇનાન્સના નામે કરોડો રૂપિયા એકઠા કરવા માટે વિવિધ મોડ્સ ઓપરેન્ડી અપનાવી હતી.
જેમાં તેણે ૩૦૦૦ જેટલા એજન્ટોની ફૌજ ઉભી કરી હતી અને તેમને આકર્ષક કમિશન અને પેકેજ ઓફર કરીને માર્કેટમાંથી લોકો પાસેથી છ હજાર કરોડ રૂપિયા જેટલી રકમ ઉઘરાવી હતી. સીઆઇડી ક્રાઇમે શરૂ કરેલી તપાસમાં એવી વિગતો સામે આવી છે કે ભુપેન્દ્રસિંહ અને તેના માટે કામ કરતા મયુર દરજીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વિવિધ મલ્ટી લેવલ માર્કેટીંગ સાથે સંકળાયેલા લીડર્સ સાથે મીટીંગ કરીને તેમને રોકાણ લાવવા માટે ઓફર આપી હતી. જેમાં તેમને અન્ય એજન્ટ કરતા એક ટકા વધારે કમિશન આપતો હતો. એટલું જ નહી ૧૦ લાખની રોકાણ પર ફ્લાઇટ ટિકીટ સાથે ગોવાની ટુર પણ આપતો હતો. જેમાં કેટલાંક એમએલએમ લીડર્સ મહિનામાં બે ગોવા ફરવા ગયા હતા. આમ, તેની નવી જ મોડ્સ ઓપરેન્ડી સામે આવી છે. ભુપેન્દ્રસિંહ ઝાલા માટે અનેક એમએલએમ લીડર્સ નાના-નાના ગામોમાં પણ અનેક મીટીંગ કરતા હતા અને ૫૦ હજારથી માંડીને બે લાખ સુધીના રોકાણ આસાનીથી મેળવતા હતા. સીઆઇડી ક્રાઇમના સુત્રોના જણાવ્યા મુજબ ૫૦૦ જેટલા એમએલએમ લીડર્સની કૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાની બીઝેડ ફાઇનાન્સ માટે કામ કરતા હતા.