Surat Airport : ગુજરાતમાં થોડા સમય પહેલા એરપોર્ટ સહિત હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. ત્યારે આજે બુધવારે સુરતના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે પોલીસ તંત્ર દોડતું થયું હતું અને એરપોર્ટમાં સઘન ચેકિંગ શરૂ કર્યું હતું. જો કે, આ ધમકી અફવા હોવાનું સામે આવ્યું હતું.
સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સુરતના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાની જાણકારી મળતાની સાથે સુરત શહેરના SOG, PCB, DCBએ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા સઘન તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને સુરતના રેલવે સ્ટેશન ખાતે બે વ્યક્તિઓ બોમ્બ અંગેની વાતચીત કરતા હોવાની જાણકારી મળી હતી. આ પછી પોલીસે બંને શખસને ઝડપી પાડીને પૂછપરછ કરવામાં આવી. જો કે, ધમકી અફવા હોવાનું સામે આવ્યું.
DCPએ શું કહ્યું?
સમગ્ર મામલે DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, ‘ધમકીને લઈને જે બંને શખસોએ ફોન કર્યો હતો તેમની પોલીસે ધરપકડ કરી લીધી છે. ધમકી બાદ એરપોર્ટ વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી.’