અમદાવાદ,બુધવાર
અમદાવાદ રેલવે પોલીસે આઇઆરસીટીસીના એજન્ટ તરીકે ઓળખ આપીને બનાવટી રેલવે ટિકિટનું વેચાણ કરતા ગઠિયાને એક પેસેન્જરની જાગૃતતાથી ઝડપી લેવામાં આવ્યો હતો. મોબાઇલમાં ટિકિટને એડીટ કરીને વોટ્સએપ પર ઇ-ટિકિટ આપીને છેતરપિંડી આચરતો હતો. પ્રાથમિક તપાસમાં આરોપીએ અનેક પેસેન્જર સાથે મોટાપ્રમાણમાં છેતરપિંડી આચરી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. ગાંધીધામ લીલાસા સર્કલ પાસે રહેતા રંગાજી નાયડુ ગત ૭મી ડિસેમ્બરના રોજ અમદાવાદ રેલવે સ્ટેશન પર ગોવાહાટીની ટિકિટ બુક કરાવવા માટે લાઇનમાં ઉભા હતા.
ત્યારે એક વ્યક્તિ તેમની પાસે આવ્યો હતો.તેણે કહ્યું હતું તે આઇઆરસીટીસીનો એજન્ટ છું અને રેલવેમાં નોકરી કરૂ છું. હું આપને કન્ફર્મ ટિકિટ કરી આપીશ. જેથી વિશ્વાસ કરીને રંગાજીએ હા પાડતા એજન્ટે તેના મોબાઇલ ફોનમાં એક એપ્લીકેશન ખોલી હતી અને તેણે ઓળખ પત્ર લઇને ૬૬૦૦ રૂપિયામાં ઇ-ટિકિટ વોટ્સએપમાં મોકલી આપી હતી. જો કે તેમાં લખેલો પીએનઆર નંબર મેચ ન થતા રગાજીને તેણે જણાવ્યું હતું કે અમે રેલવેના ખાસ એજન્ટ છીએ અને અમે ખાસ ક્વોટામાં ટિકિટ આપીએ છીએ. થોડીવાર પછી ઓનલાઇન દેખાઇ જશે.ત્યારબાદ તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. પરંતુ, રંગાજી નાયડુને શંકા જતા રેલવે પોલીસની ઓફિસમાં આ બાબતે તપાસ ટિકિટ બનાવટી હતી. જેથી સીસીટીવી ફુટેજ તપાસીને બનાવટી ટિકિટ આપનારની માહિતી મેળવીને પોલીસે તપાસ શરૂ કરી હતી. જેના આધારે તેને ઝડપીને પુછપરછ કરતા તેનું નામ ઉપેન્દ્ર દ્વિવેદી (ઉ.વ.૩૦) (રહે.રીવા, મધ્યપ્રદેશ) હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર પી એ ગામીતે જણાવ્યું કે ઉપેન્દ્રએ છેતરપિંડીની અલગ જ મોડ્સ ઓપરેન્ડી અપનાવી હતી. જેમાં તે ગુગલ પરથી ટિકિટ ડાઉન લોડ કરીને તેને પીડીએફમાં કન્વર્ટ કરીને કોઇને ટિકિટ આપતો ત્યારે તેમાં પેસેન્જરનું નામ, સ્ટેશનનું નામ અને રકમ એડિટ કરતો હતો. ત્યારબાદ તે ટિકિટને વોટ્સએપ પર મોકલી આપતો હતો. તેણે અમદાવાદ ઉપરાંત, ગુજરાતના અનેક રેલવે સ્ટેશનો પર મોટાપ્રમાણમાં છેતરપિડી આચરી હોવાની વિગતો પણ સામે આવી છે.