Surat 10 Year Old Child Commits Suicide: ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સુરતમાંથી વાલીઓને સાવધાન કરતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં પોતાના જ નાના ભાઈ સાથે પતંગની દોરીની માથાકૂટમાં માઠું લાગી જતાં 10 વર્ષના બાળકે આપઘાત કર્યો છે. બાળકના આપઘાતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
શું હતી સમગ્ર ઘટના?
સુરતના વરિયાવ વિસ્તારમાં ભલાભાઈ રોઠાડ પોતાના ચાર બાળકો સાથે રહે છે. ભલાભાઈ અને તેમની પત્ની ખેતરમાં મજૂરી કામ કરે છે. દરરોજની જેમ આજે પણ તેઓ ખેતરે મજૂરી કામ કરવા જતા રહ્યાં હતાં. આ દરમિયાન બાળકો ઘરે એકલા હતાં અને પતંગ ચગાવી રહ્યા હતાં. જેમાં ત્રીજા નંબરના સંતાને બીજા નંબરના સંતાનને પતંગ દોરો ન આપતાં તે નારાજ થઈ ગયો. નજીવી બાબતે નારાજ થઈ બાળકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભર્યું હતું.
આ પણ વાંચોઃ રાજકોટ જિલ્લામાં સામૂહિક આપઘાત, માતાએ બે સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવી
બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો
આ સમગ્ર ઘટનાની જાણ દીકરીએ માતા-પિતાને કરતાં તેઓ મજૂરી કામ મૂકી તુરંત ઘરે દોડી આવ્યા હતાં. ત્યારબાદ તાત્કાલિક બાળકને હોસ્પિટલ સારવાર માટે લઈ ગયાં. જોકે, હોસ્પિટલમાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળકની આત્મહત્યાની પોલીસને જાણ થતાં પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.
શંકાના આધારે પોલીસે હાથ ધરી તપાસ
હાલ પોલીસ પરિવારજન તેમજ આસપાસના લોકોની પૂછપરછ કરી સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે, ખરેખર આ આત્મહત્યા છે કે, કોઈના દ્વારા તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે, સાચી માહિતી પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ સામે આવી શકશે.