2 કલાક પેહલા
- કૉપી લિંક
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. સૂત્રોએ દાવો કર્યો છે કે આ બિલ આવતા સપ્તાહે સંસદમાં રજૂ થઈ શકે છે. સરકાર આ બિલ પર સર્વસંમતિ બનાવવા માગે છે, તેથી આ બિલને સંસદમાંથી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને ચર્ચા માટે મોકલવામાં આવશે. જેપીસી આ બિલ પર તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે. જો આવું થયું તો ગુજરાતમાં ચૂંટણી વહેલી થવાનાં એંધાણ છે.
અગાઉ સપ્ટેમ્બરમાં કેન્દ્રીય કેબિનેટે ‘વન નેશન-વન ઈલેક્શન’ના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ‘પ્રથમ તબક્કામાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી એકસાથે યોજાશે. આ પછી 100 દિવસમાં બીજા તબક્કામાં નાગરિક ચૂંટણીઓ યોજાશે.’
જો બિલ પસાર થાય તો 2029 સુધીમાં ‘વન નેશન-વન ઈલેક્શન’, 3 પોઈન્ટ
- કમિટીના રિપોર્ટ અનુસાર, ‘વન નેશન-વન ઇલેક્શન’ લાગુ કરવા માટે અનેક રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ ઘટાડવામાં આવશે.
- જે રાજ્યોમાં 2023ના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ગઈ છે, તેમનો કાર્યકાળ લંબાવી શકાય છે.
- જો તમામ પક્ષો લૉ કમિશનની દરખાસ્ત સાથે સહમત થશે તો એને 2029થી જ લાગુ કરવામાં આવશે. આ માટે ડિસેમ્બર 2026 સુધીમાં 25 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજવી પડશે.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રિપોર્ટ સોંપ્યો
‘વન નેશન-વન ઈલેક્શન’ પર વિચાર કરવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં 2 સપ્ટેમ્બર, 2023ના રોજ એક પેનલની રચના કરવામાં આવી હતી. આ પેનલે હિતધારકો-નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ અને 191 દિવસના સંશોધન બાદ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો.
કોવિંદ પેનલનાં 5 સૂચન…
- આગામી લોકસભા ચૂંટણી, એટલે કે 2029 સુધી તમામ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ લંબાવવો જોઈએ.
- ત્રિશંકુ વિધાનસભા (કોઈની પાસે બહુમતી નથી) અને અવિશ્વાસની દરખાસ્તના કિસ્સામાં બાકીની 5-વર્ષની મુદત માટે નવી ચૂંટણીઓ યોજવામાં આવી શકે છે.
- પહેલા તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થઈ શકે છે, ત્યાર બાદ બીજા તબક્કામાં 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી થઈ શકે છે.
- ચૂંટણીપંચ લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી સત્તાવાળાઓ સાથે પરામર્શ કરીને એક જ મતદારયાદી અને મતદાર ઓળખકાર્ડ તૈયાર કરશે.
- કોવિંદ પેનલે એકસાથે ચૂંટણી યોજવા માટે સાધનો, માનવબળ અને સુરક્ષા દળોના આગોતરા આયોજનની ભલામણ કરી છે.
”વન નેશન-વન ઈલેક્શન” એટલે શું? હાલમાં ભારતમાં રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. ‘વન નેશન-વન ઈલેક્શન’નો મતલબ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ, એટલે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરશે.
આઝાદી પછી 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી, પરંતુ 1968 અને 1969માં ઘણી વિધાનસભાઓ સમય પહેલાં વિસર્જન કરવામાં આવી હતી. એ બાદ 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી, જેના કારણે ‘વન નેશન-વન ઇલેક્શન’ની પરંપરા તૂટી ગઈ.
પ્રથમ તબક્કો: 6 રાજ્ય, મતદાનઃ નવેમ્બર 2025માં
- બિહારઃ વર્તમાન કાર્યકાળ પૂર્ણ થશે. બાદમાં માત્ર સાડાત્રણ વર્ષ ચાલશે.
- આસામ, કેરળ, તામિલનાડુ, પ. બંગાળ અને પુડુચેરીના વર્તમાન કાર્યકાળમાં 3 વર્ષ અને 7 મહિનાનો ઘટાડો થશે. એ પછીનો કાર્યકાળ પણ સાડાત્રણ વર્ષનો રહેશે.
બીજો તબક્કો: 11 રાજ્ય, મતદાનઃ ડિસેમ્બર 2026માં
- ઉત્તરપ્રદેશ, ગોવા, મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડઃ વર્તમાન કાર્યકાળમાં 3થી 5 મહિનાનો ઘટાડો થશે. એ પછી એ અઢી વર્ષ થશે.
- ગુજરાત, કર્ણાટક, હિમાચલ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરાઃ હાલ કાર્યકાળમાં 13થી 17 મહિનાનો ઘટાડો થશે. પછી સવાબે વર્ષનો રહેશે.