Surat BJP : આગામી ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપ દ્વારા સંગઠન મજબૂત બનાવવા માટે તૈયારી થઈ રહી છે. તેમાં પણ સુરતને ભાજપ પ્રયોગશાળા બનાવવા જઈ રહી છે. સુરત શહેરના બે ભાગ પાડીને બે પ્રમુખ માટે કવાયત શરુ કરી છે તો બીજી તરફ હવે વોર્ડ સંગઠનમાં મહિલાઓને પણ પ્રાધાન્ય મળે તેવી શક્યતા વધી રહી છે. સુરત શહેરમાં હાલ વોર્ડ પ્રમુખ માટે ફોર્મ ભરાવવામાં આવ્યા તેમાં 225 જેટલા ફોર્મ ભરાયા છે. જેમાંથી 15થી વધુ મહિલાઓ એ દાવેદારી કરી હોવાની વિગતો બહાર આવી છે. જેના કારણે આગામી દિવસોમાં વોર્ડ પ્રમુખ તરીકે સુરતમાં અનેક મહિલાઓ જોવા મળી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.
સુરત ભાજપમાં હાલમાં સંગઠન માટે પહેલા પ્રાથમિક સભ્ય અને ત્યારબાદ સક્રિય સભ્ય માટેની કામગીરી અસરકારક રીતે કરવામાં આવી હતી. ત્યારબાદ હાલમાં વોર્ડ પ્રમુખ માટે પણ ફોર્મ ભરાવવાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ભાજપે વોર્ડ પ્રમુખ માટે વય મર્યાદા નક્કી કરી હોવા છતાં પણ 30 વોર્ડ માટે 244 જેટલા દાવેદારો બહાર આવ્યા હતા તેમાંથી 225 દાવેદારોમાંથી વોર્ડ પ્રમુખ બનાવવામાં આવશે. જોકે, આ વર્ષે ભાજપ સુરતના સંગઠનમાં અનેક પ્રયોગ કરવાનો પ્રયાસ કરે છે તેમાં સુરતમાં આગામી દિવસોમાં સંગઠન માટે સુરતને બે ભાગમાં વહેંચીને બે પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતા વધી રહી છે.
તેની સાથે સાથે વધુ એક પ્રયોગ ભાજપ કરી શકે છે આ વર્ષે સંગઠનમાં વોર્ડ પ્રમુખ તરીકે માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલા પણ જોવા મળી શકે છે. એનું કારણ એ છે કે 30 વોર્ડ માટે 225 ફોર્મ ભરાયા છે તેમાથી 15થી વધુ મહિલાઓએ દાવેદારી કરી છે. વોર્ડ પ્રમુખ બનવા માટે લિંબાયત વિસ્તારમાંથી વધુ મહિલા હોવાની માહિતી મળી રહી છે. જેના કારણે આગામી દિવસોમાં સુરતમાં ભાજપના વોર્ડ પ્રમુખ તરીકે મહિલા પણ જોવા મળી શકે છે.