હિંમતનગર તાલુકાના 17 ગામના તલાટીઓની પંચાયત કરવેરાની વસૂલાતમાં નબળી કામગીરી ઉઘાડી થઈ ગયા બાદ તાલુકા વિકાસ અધિકારીએ તમામ તલાટીને માર્ચ-25 ના અંતે 100 ટકા કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી દૈનિક વસૂલાતના આંકડાનુ રિપોર્ટિંગ કરવા સૂચના આપી છે.
.
હિંમતનગરની આસપાસ આવેલી ગ્રામ પંચાયતોની કામગીરી ચાર્જથી ચાલવા સહિત આ તલાટીઓને ઈત્તર પ્રવૃત્તિઓથી ફુરસદ મળતી ન હોવાથી પંચાયતની સમસ્યાઓ અંગે થતી રજૂઆતોનું નિરાકરણ થતું નથી. મોટાભાગની પંચાયતોમાં તલાટી હાજર રહેતા ન હોવાની અવારનવાર બૂમ ઉભી થાય છે અને તલાટીઓ દ્વારા બચાવમાં અન્ય પંચાયતોમાં ચાર્જ હોવાનું અને જિલ્લા મથકે કામે ગયા હોવાના જવાબ આપી દેવાય છે. પરંતુ તલાટીઓની બહાનાબાજી પંચાયત કરવેરા વસૂલાત મામલે ઉઘાડી થઈ જતાં 17 ગ્રામ પંચાયતના તલાટીઓને તાલુકા વિકાસ અધિકારીએ ગંભીર નોંધ લઈ આગામી ત્રણ મહિના કામે લાગી જવા સૂચના આપી છે. તાલુકા વિકાસ અધિકારીએ સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે 2024-25 ના પંચાયત કરવેરા વસૂલાતની કામગીરી નવેમ્બર 24 ના અંતે તમામ 17 ગામના માગણાની સામે થયેલ વેરા વસૂલાતની સાપેક્ષમાં ખૂબજ નબળી છે જે ગંભીર બાબત છે. ટીડીઓએ હિંમતનગર તાલુકાના 17 ગ્રામ પંચાયતના તલાટીઓને તાકીદ કરવા સૂચના આપ્યા બાદ વિસ્તરણ અધિકારીએ તા.6-12-24 ના રોજ તમામ તલાટીને તા.31-03-25 સુધીમાં 100 ટકા કરવેરા વસૂલાત કરવાની તાકીદ કરી વસૂલાતના દૈનિક આંકડાનું રોજેરોજ રિપોર્ટિંગ કરવા લેખિતમાં સૂચના આપી છે. નબળી વેરાવસૂલાતમાં કોઈ પ્રગતિ થાય છે કે નહીં તે તો સમય જ બતાવશે.
આ ગામના તલાટીઓની નબળી કામગીરીનવા, બેરણા, સવગઢ, ઝહીરાબાદ, માલીવાડ, વીરપુર, વક્તાપુર, મહાદેવપુરા(લો) સાચોદર, પીપોદર, પ્રેમપુર, પેથાપુર, રંગપુર, મુનપુર, કડોલી, હાંસલપુર, હાજીપુર