વડોદરા.પાણીગેટ બાવામાનપુરામાં જૂના ઝઘડાની અદાવતે ચાકૂ અને લોખંડની પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. પાણીગેટ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાણીગેટમાં બાવામાનપુરા મસ્જિદ પાસે રહેતા યાકુબ ઉર્ફે કાલીઓ સિકંદરશા દિવાને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે ૧૦ વાગ્યે મારા પરિવારજનો માટે શાક લેવા માટે મારે પાણીગેટ લીમવાલી મસ્જિદ જવાનું હતું. મારી પાસે બાઈક ન હોય મારા મિત્ર નઈમ શેખને ફોન કરીને બોલાવતા તે આવ્યો હતો.
ત્યારબાદ અમે બંને જણા બાઈક લઈને કાગડાની ચાલ નાકા પાસે ગલ્લા પર સિગારેટ પીવા માટે ઊભા હતા. તે વખતે આસિફ હુસેન અમારી પાસે આવ્યો હતો અને અગાઉના ઝઘડાની અદાલત રાખી ગાળો બોલવા લાગ્યો હતો. અમે તેને ગાળો નહીં બોલવાનું જણાવ્યું હતું. ત્યારબાદ અમે વીમા દવાખાના પાસે શબ્બીર છોટુમિયા મલેક પાસે ગયા હતા. તે દરમિયાન આસિફ બાવામાનપુરા બાવાની દરગાહ પાસે ગાળો બોલતો હતો, જેથી અમે ત્રણેય જણા ત્યાં ગયા હતા. આસિફે એકદમ ચાકૂ વડે હુમલો કરી મારા ડાબા હાથના કાંડાના ભાગે ઈજા પહોંચાડી હતી. મને લોહી નીકળવા લાગ્યું હતું અને હું બેભાન થઈ ગયો હતો.
જ્યારે સામા પક્ષે આસિફ શેખે (૧) નઇમ જલાઉદ્દીન (રહે. ઇમરાન ચેમ્બરની સામે વાડી) (૨) શબ્બીર છોટુમીંયા મલેક (૩) રિયાઝ સૈયદ તથા (૪) યાકુબ ઉર્ફે કાલિયો દિવાન (રહે. બાવામાનપુરા, પાણીગેટ) ની સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આરોપીઓએ લોખંડની પાઇપ વડે બંને પગના ઘૂંટણ, બરડા તથા માથામાં ઇજા પહોંચાડી હતી. પાણીગેટ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી હતી.