વડોદરા,મોટાભાઇની બર્થડે હોઇ મોબાઇલ ફોન લેવા માટે નાના ભાઇને બાઇક પર બેસાડીને બંને રણોલી ગામે જતા હતા. પદમલા નજીક હાઇવે પર આવેલી હોટલ નજીક કાર ચાલકે ટક્કર મારતા બંને ભાઇઓ હવામાં ફંગોળાયા હતા. જેમાં નાના ભાઇનું મોત થયું હતું. જે અંગે છાણી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પદમલા ગામ અલકાપુરી ફળિયામાં રહેતા ૧૮ વર્ષના શૈલેષ પ્રકાશભાઇ પરમાર ની આજે બર્થડે હતી. જેથી,તે નાના ભાઇ તુષાર (ઉં.વ.૧૧) સાથે મોબાઇલ ફોન લેવા માટે બપોરે એક વાગ્યે બાઇક પર રણોલી જતો હતો. તે સમયે પદમલાથી વડોદરા જતા રસ્તા પરની વૃંદાવન હોટલ પાસે કાર સાથે અકસ્માત થતા શૈલેષને માથા અને પગ પર ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યારે નાના ભાઇ તુષારને પણ ગંભીર ઇજા થતા તેનું મોત થયું હતું. જે અંગે છાણી પોલીસે ગુનો દાખલ કરી ભાગી છૂટેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. મૃતક તુષાર ધો.૬ માં અભ્યાસ કરે છે.
ન્યૂ વી.આઇ.પી.રોડ ખોડિયાર નગર પાસે રહેતો સુભાષ રાજારામ કહાર ગઇકાલે બાઇક લઇને નેશનલ હાઇવે – ૪૮ પર એ.પી.એમ.સી. માર્કેટ પાસેથી પસાર થતો હતો. તે દરમિયાન અચાનક તેની બાઇક સ્લિપ થઇ જતા ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાયો હતો. તેને માથામાં તથા હાથ પર ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. સંજોગવશાત સુભાષ કહારનો ભાઇ રઘુનાથ કહાર પાડોશીની તબિયત ખરાબ હોઇ સયાજી હોસ્પિટલમાં જ હાજર હતો. તે દરમિયાન ભાણીએ તેઓને ફોન કરીને જણાવ્યું હતું કે, સુભાષ મામાને એક્સિડન્ટ થયો છે અને તેઓને સયાજી હોસ્પિટલમાં લઇ ગયા છે. રઘુનાથ કહારે તાત્કાલિક સારવાર વિભાગમાં જઇને જોતા તેના ભાઇની સારવાર ચાલુ હતી. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.