અમદાવાદ,મંગળવાર,17 ડિસેમ્બર,2024
અમદાવાદ મ્યુનિ.નું
વર્ષ-૨૦૨૪-૨૫ માટે રુપિયા ૧૨૨૬૨.૮૩ કરોડનું વાર્ષિક બજેટ મંજૂર કરવામાં
આવ્યુ હતુ. મેયરની અધ્યક્ષતામાં મળેલી બજેટ રીવ્યુ બેઠકમાં શહેરમાં એક વર્ષમાં
વિકાસકામ પાછળ રુપિયા ૨૮૬૩.૨૫ કરોડનો ખર્ચ કરવામા આવ્યો હોવાનો દાવો કરાયો હતો.આમ
છતાં ૫૦ ટકા કામ હાલમાં પણ બજેટબુકના કાગળ ઉપર જ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ૪૬
કામ પ્રગતિમાં હોવાનુ કહયુ.પરંતુ કયા તબકકામા કામો છે એનો જવાબ તંત્ર કે
હોદ્દેદારો પાસે નહતો.વિપક્ષે રીવ્યુ બેઠક ટાઈમપાસ માટે હોવાનુ કહયુ હતુ.
શહેરના મેયરની અધ્યક્ષતામાં વર્ષ-૨૦૨૪-૨૫ના અંદાજપત્રની
સમીક્ષા કરવા બેઠક મળી હતી. આ બેઠકના આરંભ પછી ૩૦ મીનીટમાં મ્યુનિસિપલ કમિશનર અન્ય
રોકાણને લઈ બેઠકમાંથી રવાના થઈ ગયા હતા. રીવ્યુ બેઠકમાં શું ચર્ચા થઈ,કયા-કયા કામો
બાકી છે વગેરે માહિતી આપવા મેયર હાજર રહયા નહતા. પાંચ પૈકી એક માત્ર સ્ટેન્ડિંગ
કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,બજેટના
મોટાભાગના કામ પુરા કરાયા છે.૪૬ કામ પ્રગતિમા છે. અર્બન હાઉસ,લોટસ પાર્ક, કઠવાડા ખાતે
ગૌશાળા , એમ.આર.આઈ.મશીનની
૨૦ કરોડના ખર્ચે પી.પી.પી.ધોરણે ખરીદી કરવા તથા વાઈફાઈ માટે પાંચ કરોડની ફાળવણી
જેવા કેટલાક કામ બાકી છે. ૪૬ કામ કયા તબકકામા છે તેનો જવાબ ડેપ્યુટી મ્યુનિસિપલ
કમિશનર(નાણાં) કે ચેરમેન આપી શકયા નહતા.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે,શાસકપક્ષ તરફથી
બોલાવવામા આવેલી બજેટ રીવ્યુ બેઠક ટાઈમપાસ માટે હોવાનો આક્ષેપ કર્યો હતો.