SMIMER Hospital Surat : સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સેનીટેશનની કામગીરીનો બે વર્ષના કોન્ટ્રાક્ટ મેળવવા માટે બીડમાં લોએસ્ટ આવનારી એજન્સીએ પાલિકા સમક્ષ ખોટી એફિડેવિટ કરી દીધી હતી. લોએસ્ટ ઓફર આપનારી એજન્સીને એક્ઝીક્યુટીવ કમિટિએ પ્રાઈઝ બિડના આધારે કામ આપવાની ભલામણ કરી દીધી હતી. જોકે ત્યારબાદ ફરિયાદ થતા વિજીલન્સ તપાસ સોંપવામાં આવી હતી જેમાં ખોટી એફિડેવિટ કરી હોવાનો ભાંડો ફૂટ્યો હતો જેના કારણે ખોટી એફિડેવિટ કરનારી એજન્સીને ડિસ્કવોલીફાઈ કરીને નવેસરથી ટેન્ડરીંગ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.
સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સેનિટેશન સર્વિસ માટે બે વર્ષના કોન્ટ્રાક્ટના ટેન્ડર બહાર પડ્યા હતા. બે વર્ષની કામગીરી માટે અંદાજે ત્રણ કરોડનો કોન્ટ્રાક્ટ થાય છે તે મેળવવા માટે માસિક 12.13 લાખની ઓફર ડી.જી.નાકરાણી દ્વારા કરવામાં આવી હતી. આ સૌથી નીચી ઓફર હોવાથી એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા ઓફર સ્વીકારવા માટે ભલામણ કરવામાં આવી હતી. જોકે, લોએસ્ટ ઓફર કરનાર એજન્સી ડી.જી.નાકરાણીએ ટેન્ડર માટે ક્રિમીનલ લાયેબિલિટી સર્ટીફીકેટની એફિડેવિટ ખોટી કરી હોવાની ફરિયાદ થઈ હતી. આ ફરિયાદ બાદ વિજીલન્સ તપાસ સોંપવામાં આવી હતી.
આ પ્રકારની ફરિયાદ બાદ વિજીલન્સ તપાસ સોંપવામાં આવી હતી અને ત્યાર બાદ લિગલ ઓપિનિયનના આધારે સ્મીમેર એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા ખોટી એફિડેવિટ રજુ કરનારી એજન્સીને ડિસ્કવોલીફાઈ કરીને નવેસરથી ટેન્ડર બહાર પાડવા માટે ભલામણ કરી હતી તે મુજબની કવાયત શરુ થઈ ગઈ છે. આ ભલામણના આધારે હાલમાં ખોટી એફિડેવિટ રજુ કરનારી એજન્સી ડી.જી.નાકરાણીને બે વર્ષ માટે ડિબાર્ડ કરવા તથા ટેન્ડરમાં ભરેલી ઈએમડીની રકમ જપ્ત કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.