Surat Corporation : સુરતની ટ્રાફિક સમસ્યા ઘટાડવા તથા 45 મીટર પહોળાઈ ધરાવતા રીંગરોડ માટે કડીરુપ સિદ્ધાર્થ નગર ફ્લાય ઓવર બ્રિજના કોન્ટ્રાક્ટરની નબળી અને ધીમી કામગીરીના કારણે ફરી એક વખત બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જૂન 2022માં ધીમી કામગીરી માટે બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત રજુ કરવામા આવી હતી પરંતુ ભાજપ શાસકોના માનીતા કોન્ટ્રાક્ટર હોવાથી એજન્સીને બ્લેક લીસ્ટ કરવાની બદલે વધુ સમય ફાળવવામાં આવ્યો હતો. તેમ છતાં સિદ્ધાર્થ નગર રેલ્વે ઓવર બ્રિજની સમય મર્યાદા હતી. 30 મહિના 63 માસ બાદ પણ કામગીરી 44 ટકા જ રહેતા બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ ફરી એક વખત રજૂ કરવામાં આવી છે.
સુરતમાં વસ્તી અને વિસ્તાર સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. તેના કારણે અનેક રોડ બનાવવામાં આવી રહ્યાં છે અને હાલમાં 45 મીટર પહોળા મીડલ રીંગ રોડ બનાવવાની કામગીરી આખરી તબક્કામાં છે. આ રીંગરોડને જોડતા નવીન ફ્લોરી ફ્લાય ઓવર બ્રિજની કામગીરી 73 ટકા પુરી થઈ ગઈ છે. આ ઉપરાંત વડોદથી ભીમરાડ સુધીનો સીસી રોડ પણ લગભગ પુરો થઈ ગયો છે. જોકે, આ રોડને જોડવા માટે સિદ્ધાર્થ નગર રેલવે ઓવરબ્રિજ ન હોય તો જોડવાનું શક્ય નથી.
એવા અગત્યના અને સુરત મુંબઈ રેલવે લાઈન પર સિદ્ધાર્થ નગર રેલ્વે ઓવર બ્રિજ માટે 7 માર્ચ 2019 ના રોડ 59.42 કરોડના ખર્ચે રેલ્વે ઓવર બ્રિજની કામગીરી માટે ભાજપ શાસકોના માનીતા એવા અજય પ્રોટેક્ટને કામગીરી સોંપવામાં આવી હતી. આ બ્રિજની કામગીરી માટે 30 મહિનાની સમય મર્યાદા રાખવામાં આવી હતી. પરંતુ હાલમાં 62 મહિનાનો સમય થઈ ગયો હોવા છતાં કામગીરી 44. 66 ટકા જ થઈ છે. હાલના તબક્કે આ બ્રિજ માટે 55.37 ટકા કામગીરી બાકી છે. તે પુરી કરવા માટે હજી પણ 18 મહિનાનો સમય લાગી શકે તેમ છે.
આવી નબળી અને ધીમી કામગીરી કરાનારી ભાજપ શાસકોની માનીતી એવી અજય પ્રોટેક્ટને બ્લેક લિસ્ટ કરવા માટે જુન 2022માં દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. પરંતુ સ્થાયી સમિતિએ આકરા પગલાં ભરવાના બદલે વધુ એક તક આપી હતી તેમ છતાં હજી પણ કામગીરી એજન્સી ઝડપથી કરી શકી નથી. વારંવાર પાલિકા દ્વારા સમય મર્યાદા વધારી આપી હોવા છતાં હજી પણ 55.37 ટકા કામગીરી બાકી છે અને તેના માટે પણ દોઢ વર્ષ જેટલો સમય લાગી શકે છે. આ પ્રોજેક્ટ અધુરો હોય મીડલ રીંગરોડનો ઉપયોગ પણ શક્ય નથી તેના કારણે એજન્સીને બ્લેક લિસ્ટ કરવા માટે સ્થાયી સમિતિ સમક્ષ ફરી એક વખત દરખાસ્ત રજુ કરવામાં આવી છે. આ ઉપરાંત આ દરખાસ્તમાં બાકી રહેલી 55.37 ટકા કામગીરી માટે આઈટમ રેટ મુજબ કામગીરીના ટેન્ડર માટેની પ્રક્રિયા પણ હાથ ધરવા માટેનો નિર્ણય કરવામાં આવશે.