વડોદરા : ઝઘડિયા જીઆઇડીસીમાં શ્રમજીવી પરિવારની ૧૦ વર્ષની બાળકીનું અપહરણ કરીને બળાત્કાર કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. બાળકીની હાલત ગંભીર છે અને વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ભોગ બનનાર બાળકી અને નરાધમ આરોપી પણ ઝારખંડનો છે. આમ છતાં વડોદરા દોડી આવેલા ઝારખંડ સરકારના મહિલા મંત્રીએ બાળકીને ગુજરાત સરકાર યોગ્ય સારવાર કરે તેવી સંવેદના વ્યક્ત કરવાની સાથે સાથે આ કેસને રાજકીય સ્વરૃપ આપવાનો પ્રયાસ કરતા વિવાદ થયો છે.
આરોપી પણ ઝારખંડનો છે, પીડિતાની યોગ્ય સારવાર કરવા માટે ગુજરાત સરકારને તાકીદ કરી
પત્રકારો સાથે વાત કરતા ઝારખંડના ગ્રામ્ય વિકાસ મંત્રી દીપિકા પાંડે સિંગે કહ્યું હતું કે ‘બાળકીની હાલત ગંભીર છે. ગુજરાતની બહાર કોઇ સારી હોસ્પિટલમાં લઇ જઇને બાળકીની સારવાર કરવાની જરૃર પડે તો ઝારખંડ સરકાર તેને લઇ જવા તૈયાર છે. ઝારખંડ સરકાર તરફથી બાળકીના પિતાને ૪ લાખનો ચેક અને ૫૦ હજાર રોકડની સહાય કરવામાં આવી છે. જો ગુજરાત સરકાર આ મામેલ ગંભીરતાથી કામગીરી નહી કરે તો દિલ્હીમાં અમે આવાજ ઉઠાવીશું.’
‘ઝારખંડમાંથી મોટી સંખ્યામાં લોકો કામની શોધમાં ગુજરાત આવે છે. આ લોકો ઔદ્યોગિક વિસ્તારમાં જે વસાહતોમાં રહે છે તે વસાહતોની સ્વચ્છતા, સુરક્ષા અને શ્રમજીવી પરિવારના બાળકોના એજ્યુકેશન માટે ગુજરાત સરકાર, ઉદ્યોગો શું ધ્યાન રાખે છે ? બાળકી માટે બળાત્કારની ઘટના શરમજનક છે. ગુજરાતમાં કોવિડ વખતે પણ ઝારખંડ સરકારે મદદ ના કરી હોત તો ઝારખંડના શ્રમજીવીઓની હાલત ખરાબ થઇ હોત. જો ઝારખંડના મજૂરો વતન આવી જશે તો ગુજરાતના ઉદ્યોગો તાળા વાગી જશે” પણ જ્યારે મહિલા મંત્રીને પુછાયુ કે આરોપી પણ ઝારખંડનો જ છે ત્યારે તેમણે કહ્યું હતું કે ભલે આરોપી ઝારખંડનો હોય પણ ગુનેગાર કોઇ રાજ્ય, ધર્મ કે જ્ઞાાતિનો નથી હોતો તે ગુનેગાર છે. તેમ દીપિકા પાંડે સિંગે ઉમેર્યુ હતું.’ મહિલા મંત્રી સાથે ઝારખંડના એડિશનલ ડી.જી. સુમન ગુપ્તા અને ઝારખંડ સમાજ સુરક્ષા વિભાગના ડાયરેક્ટર કિરણ બાસી પણ આજે વડોદરા આવ્યા હતા.