New Municipal Corporation : ગુજરાતમાં “એ” વર્ગ ધરાવતી નવેક નગરપાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો અપાશે. આ કારણોસર રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યામાં ય વધારો થશે. રાજ્ય સરકાર 25મી ડિસેમ્બરે સુશાસન દિવસ ઉજવવા જઈ રહી છે. આ દિવસે નવ પાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર કરવા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. પાલિકાઓને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો આપી રાજ્ય સરકાર ગુજરાતીઓને નવા વર્ષની ભેટ આપવા જઇ રહી છે.
વિધાનસભામાં રાજ્ય સરકારે વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યુ ત્યારે જાહેરાત કરી હતી કે, સાત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવાશે જેના ભાગરૂપે નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર અને આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવા રાજ્ય સરકારે નક્કી કર્યુ છે. એક તરફ, ચૂંટણી પંચ પાલિકાની ચૂંટણીઓ યોજવા સજ્જ થઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ, રાજ્ય સરકારે નવ પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા તૈયારીઓ આદરી છે.
સૂત્રોના મતે, રાજ્યમાં 85 પાલિકાઓની ચૂંટણીઓ યોજાવવાની હતી પણ જો નવ પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તો ઘણો બધો બદલાવ આવી શકે છે કેમ કે, નવી મહાનગરપાલિકામાં જ અન્ય નગરપાલિકાને ભેળવી દેવાશે. આ જોતાં 60 પાલિકાની ચૂંટણીઓ યોજાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે.
આ બાજુ, ભૂપેન્દ્ર પટેલ સરકારને બે વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તા.25મી ડિસેમ્બરે સુસાશન દિવસ ઉજવવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આ જ દિવસે નવ પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
એ વર્ગની નવ પાલિકાઓને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવાથી જે તે ભૌગોલિક વિસ્તારમાં વિકાસ થશે. સાથે સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અપાતી નાણાંકીય સહાયમાં પણ નોંધપાત્ર વધારો થશે.