100 years of Ahmedabad’s first cooperative housing society : આજથી બરોબર 100 વર્ષ અગાઉ દસક્રોઈ તાલુકાના મામતલદારને ખરીદેલી ખજૂર જે છાપામાં વીંટાળેલી હતી, તેમાં આયર્લેન્ડમાં બનેલી સોસાયટીના સમાચાર વાંચી સોસાયટી વસાવવાનો વિચાર આવ્યો હતો…!
આધુનિક સમયમાં સારા વિસ્તારમાં વિશાળ બંગલામાં રહેવું સામાન્ય પરિવાર માટે એક સ્વપ્ન સમાન બન્યું છે ત્યારે એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી શહેરની પ્રથમ બ્રહ્મક્ષત્રિય કો.ઓ.હા.સોસાયટી કે જેના પાયા 1924માં નંખાયા હતા. બ્રહ્મક્ષત્રિય સોસાયટીના નામે રજિસ્ટર્ડ થયેલી આ સોસાયટી પ્રીતમનગરના નામે ઓળખાતી હતી. આ વિશે સોસાયટીના કમિટી મેમ્બર પ્રશાંત દેસાઇએ કહ્યું કે, જૂનું અમદાવાદ પોળ, ગલીઓ અને શેરીમાં વસતું હતું.
પોળ કલ્ચરની સાથે યોગ્ય રીતે મકાનોનું બાંધકામ થાય અને બધા સભ્યો સાથે રહે તેવા વિચાર સાથે તે સમયના પ્રીતમરાય દેસાઇ, હીરાલાલ લાખીયાના મનમાં સોસાયટી બનાવવાનો વિચાર આવ્યો હતો. આ સાથે પાંડુરાવ દેસાઇ, જ્યંતીલાલ ઠાકોર, ડૉ.હરિપ્રસાદ દેસાઇ, નટવરલાલ લાખિયા, છોટાલાલ શાહ સહિતના આગેવાનોએ પોતાનો સહકાર આપ્યો અને સોસાયટીનું નિર્માણ થયું હતું. આ સોસાયટીને આજે પ્રીતમનગર તરીકે પણ ઓળખવામાં આવે છે.
સોસાયટી વિશે અવનવી વાતો
– 1925માં ભરૂચના એક મુસ્લિમ પરિવાર પાસેથી 33 વીઘા જમીન 87 હજારમાં ખરીદીને પ્લોટ પાડયા હતા.
– સોસાયટીનું ઉદ્ધાટન મ્યુનિસિપાલિટીના પ્રમુખ સરદાર વલ્લ્ભભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું
– સોસાયટીમાં જમીનનો એકવારનો ભાવ માત્ર ચાર આના હતો
– દરેક પ્લોટ 800થી 1000 વારના હતા
– 79 મકાન હતા પછી પાંચ બીજા પ્લોટ લઇને 84 બંગલા થયા હતા
– આજે 30 જેટલા જ બંગલા બાકી રહ્યા છે જ્યારે બાકીના બંગલામાં ફ્લેટ બનાવી દેવામાં આવ્યા છે
– જમીન સંપાદનનું કામ હાથ ધરાયું હતું પછી તે સમયે પ્રીતમરાય માસ્તરના નામે તેનું નામ પ્રીતમનગર પડયું હતું.
– સોસાયટીમાં જ ઇંટો પકવવામાં આવતી હતી. સોસાયટીના કોમન પ્લોટમાં ચૂનાની ચક્કીમાં ચૂનો પીસાતો અને ત્યારબાદ તેનો બાંધકામમાં ઉપયોગ કરાતો હતો.
– તે જમાનામાં સિમેન્ટ ન હતો એટલે ચૂનાનો ઉપયોગ થતો
– 1958માં સોસાયટીમાં ગટર વ્યવસ્થા કરવામાં આવી હતી
– વલસાડથી નવા સાગના લાકડાં લાવવામાં આવતા અને મિસ્ત્રી અને સુથારને બોલાવીને ઘરના દરવાજા તૈયાર કરવામાં આવતા
– સગા-સંબંધીઓ આશ્રમ રોડ પર આવીને ઘોડાગાડીમાં 80 બંગલાની સોસાયટીમાં જવું છે તેમ કહેતા હતા
– સોસાયટીના પહેલા પ્રમુખ હીરાલાલ ગોવિંદલાલ લાખીયા અને પ્રીતમરાય વ્રજરાય દેસાઇ સેક્રેટરી તરીકે સેવા આપી હતી.
સોસાયટી બનાવવાનો વિચાર કોને આવ્યો?
હીરાલાલ લાખિયા, પ્રીતમરાય વ્રજરાય દેસાઇ અને તેમના વડીલ બંધુ ડૉ.હરિપ્રસાદ દેસાઇ, જ્યંતીલાલ ઠાકોર, પાંડુરાવ દેસાઇ, ભોગીલાલ પટવા, ડૉ.બળવંતરાય કાનુગા, ગુણવંતરાય દેસાઇ, ચિમનલાલ કવિ, લાલભાઇ દલાલ, સોપારકર, અંબાશંકર મલજી અને ઠાકોરલાલ કાજી જેવા દિગ્ગજો ભેગા થયા હતા. આ બધાના સામૂહિક પ્રયાસમાંથી 19 ડિસેમ્બર 1924ના રોજ ધી બ્રહ્મક્ષત્રિય કો.ઓ.હા.સો. સ્થપાઇ હતી જે આજે પ્રીતમનગર નામથી ઓળખાય છે. બ્રહ્મક્ષત્રિય સોસાયટી સ્થાપવાનો પહેલો વિચાર અનાયાસે 1922માં તાલુકાદારી સેટલમેન્ટ ઓફિસર હીરાલાલ લાખિયાના મગજમાં આવ્યો હતો. હીરાલાલ લાખિયા જ્યારે દસક્રોઇ તાલુકાના મામલતદાર તરીકે પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે તેમને ભૂખ લાગી ત્યારે ખજૂર ખરીદી હતી અને તેની સાથેના ન્યૂઝપેપરમાં આર્યલેન્ડમાં બનેલી સોસાયટીના સમાચાર વાંચીને કો.ઓ.સોસાયટી બનાવવાનો વિચાર આવ્યો હતો.
પ્રીતમનગર આજની કો.ઓ.સોસાયટીઓ માટે તેમજ ભાવિ સોસાયટીઓ માટેનું ‘રોલમોડલ’ છે
અમદાવાદની પોળો અને સાબરમતી નદીની પશ્ચિમ તરફ ફેલાયેલી સોસાયટીઓ વચ્ચેનો સેતુ પ્રીતમનગર છે. પ્રીતમનગર કો.ઓ. સોસાયટી તેમજ ભાવિ સોસાયટીઓ માટે રોલમોડલ છે. આ સોસાયટી હેરીટેજ સિટી માટે સરતાજ સ્વરૂપે છે. સોસાયટીના આગેવાનોએ ખૂબ જ ખંતથી આ સોસાયટીનું જતન કર્યું છે. – વનરાજ શાહ, સેક્રટરી
સેવાભાવી લોકોએ 10 હજારની રકમ ભરીને મકાનો બાંધવાના કામમાં મદદ આપી હતી
ગુણવતંરાય દેસાઇ પુનાની ખેડૂત કો-ઓપરેટીવ મંજળના રજીસ્ટ્રાર હતા, ભરૂચના અંબાશંકર મલજી ધારાશાસ્ત્રી હોવાની સાથે સહકારી મંડળો સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા જ્યારે સોસાયટી તેની વિકટ સ્થિતિમાંથી પસાર થઇ રહી હતી તે સમયે સેવાભાવી લોકોએ રૂ.10 હજારની રકમ ભરીને મકાનો બાંધવાના કામમાં મદદ કરી હતી. – મિહિર લાખિયા, સભ્ય
શતાબ્દિની ધામધૂમથી ઉજવણી કરાશે
મારા દાદા સોસાયટીના પહેલાં પ્રમુખ હતા, જે મારા માટે ગર્વની વાત છે
બ્રહ્મક્ષત્રિય સોસાયટીના સ્થાપના થઇ ત્યારે મારા દાદા સોસાયટીના પહેલા પ્રમુખ બન્યા હતા અને આજે સોસાયટીના 100 વર્ષ પછી હું ગર્વ અનુભવું છું. અમારી ત્રીજી પેઢી આ બ્રહ્મક્ષત્રિય સોસાયટીમાં રહે છે. અમારા વડીલોએ પોતાની આગવી સૂઝથી આવનારા સમયને ધ્યાનમાં રાખીને શહેરથી દૂર રહેવા આવવાનું પસંદ કર્યું હતું. આ સોસાયટીમાં એ, બી અને સી એમ ત્રણ ભાગમાં બંગલાઓના વિભાગ પાડવામાં આવ્યા હતા. સોસાયટીના બધા પરિવારો માટે 100 વર્ષની ઉજવણીને લઇને આગવો ઉત્સાહ છે. – દુષ્યંતભાઇ લાખીયા, 83 વર્ષ
સોસાયટી બની ત્યારે પહેલાં માત્ર છ પરિવારો રહેવા આવ્યા હતા
મારા પિતા પાંડુરાવ દેસાઇ પ્રીતમનગર સોસાયટીના પહેલી કમિટીના મેમ્બર બન્યા હતા. મારા દાદા ભાઇલાલ દેસાઇ રહેવા આવ્યા હતા. આજે અમારી ત્રીજી પેઢી અહીંયા રહીને 100માં વર્ષની ઉજવણીમાં જોડાવાનો ઘણો આનંદ છે. અમારા વડીલો કહેતા હતા કે, સોસાયટી તૈયાર તે સમયે વીજળી ન હતી ત્યારે ફાનસના અજવાળાથી લોકો કામ કરતા હતા. સોસાયટી બન્યાના સવા વર્ષ પછી વીજળી આવી હતી તે દિવસે લોકોએ ઉત્સવની જેમ ઉજવણી કરી હતી. – અખીલભાઇ દેસાઇ
બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ સિવાયના પાંચ પરિવારને રહેવાની મંજૂરી આપી હતી, જેમાં અમે હતા
મારા દાદા ભોગીલાલ પટવા અને પ્રીતમરાય દેસાઇ બન્ને સારા મિત્રો હતા. સોસાયટીના સ્થાપના થઇ ત્યારે માત્ર બ્રહ્મક્ષત્રિય જ્ઞાાતિના લોકો જ રહેશે તેવું હતું પણ તે અલગ જ્ઞાાતિના પાંચ પરિવારનો રહેવા માટેની મંજૂરી આપવામાં આવી હતી, જેમાં અમારા પરિવારને સ્થાન મળ્યું હતું. મારા પિતા ચીનુભાઇ પટવા ગુજરાત સમાચારમાં પાનસોપારી કોલમ લખતા હતા. સોસાયટીના 100 વર્ષ પૂરા થયા છે દરેક પરિવાર સાથે મળીને વડીલોના સંસ્મરણો તાજા કરશે.- તુષાર પટવા, 81 વર્ષ
મકાનોને રોશનીથી સજાવીશું, બધા સભ્યો સાથે મળીને ભોજન કરવાનું આયોજન કર્યું
સોસાયટી બની ત્યારે 79 મકાન હતા ત્યારબાદ બીજી જમીન લઇને 80થી 84 નંબરના મકાન બનાવવામાં આવ્યા હતા. હાલ 30થી વધુ મકાન રહ્યા છે. જેટલા પરિવાર રહે છે તે બધા પોતાના મકાનોને રોશનીથી શણગારવામાં આવશે. અમે બધા સાથે મળીને ભોજન કરીશું સાથે સંગીતની મજા માણીશું. સોસાયટીના 100 વર્ષ પૂરા થતા હોવાથી દરેક પરિવારને ચાંદીનો સિક્કો સ્મૃતિચિહ્ન સ્વરૂપે આપવામાં આવશે.