વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં ફેકલ્ટી ડીનોની નિમણૂકમાં સિનિયોરિટીના નિયમનો અમલ નહીં કરવામાં આવી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ અધ્યાપક સંગઠન અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘે કર્યો છે.જેના પગલે વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવની કાર્યપધ્ધતિ સામે સવાલો ઉભા થયા છે.
શૈક્ષિક સંઘ દ્વારા આજે યુનિવર્સિટી હેડ ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.સંઘના પ્રમુખ પ્રો.અમિત ધોળકિયા અને મહામંત્રી ડો.ચેતન સોમાનીએ કહ્યું હતું કે, છેલ્લા ૬ મહિનામાં ફેકલ્ટી ડીનોની નિમણૂકમાં ગુજરાત કોમન યુનિવર્સિટી એકટના નિયમોનો ભગ કરવામાં આવ્યો છે.આ નિયમ પ્રમાણે સૌથી સિનિયર પ્રોફેસરની ડીન તરીકે નિમણૂક થવી જોઈએ.આ નિયમનું પાલન થયું નથી.તાજેતરમાં કોમર્સ ફેકલ્ટીના ડીનની નિમણૂંકમાં સૌથી સિનિયર પ્રોફેસરને વાઈસ ચાન્સેલર ગણતરીમાં જ લીધા નહોતા.
શૈક્ષિક સંઘે વાઈસ ચાન્સેલરને અપીલ કરી છે કે, ડીનોની નિમણૂકમાં જે પણ વિસંગતતાઓ છે તેને દૂર કરવામાં આવે અને ગુજરાત કોમન યુનિવર્સિટી એકટ પ્રમાણે નવેસરથી ડીનોની નિમણૂક કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, કોમર્સ પહેલા આર્ટસ અને એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીમાં પણ ડીનોની નિમણૂકમાં પણ સિનિયોરિટીનો ભંગ કરાયો હોવાની ચર્ચા અધ્યાપક આલમમાં ચાલી રહી છે.
શૈક્ષિક સંઘે લાંબો સમય સુધી મૌન ધારણ કર્યા બાદ ડો.શ્રીવાસ્તવ સામે ફરી બાંયો ચઢાવી હોવાથી અધ્યાપક આલમને થઈ રહેલા અન્યાયને લઈને હવે શૈક્ષિક સંઘ આગામી દિવસોમાં વધારે આક્રમક વલણ અપનાવે તેવા એંધાણ વરતાઈ રહ્યા છે.