વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાંથી બે વર્ષની રજા લઈને ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવનાર ડેપ્યુટી રજિસ્ટ્રાર અમિત જાની બે વર્ષની મુદત બાદ ફરી એમ.એસ.યુનિવર્સિટીમાં નોકરી કરવા પરત ફર્યા છે.
જોકે આ અધિકારીને હેડ ઓફિસમાં ફરી નિમણૂક આપવાની જગ્યાએ પાદરા કોલેજમાં પોસ્ટિંગ આપવાનો મનસ્વી નિર્ણય વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવે લીધો છે.જેના પર પણ સવાલો ઉભા થયા છે.કારણકે પાદરા કોલેજમાં ડેપ્યુટી રજિસ્ટ્રારની જગ્યા જ નથી, ડેપ્યુટી રજિસ્ટ્રાર માટે ત્યાં કોઈ કામગીરી પણ નથી. જ્યારે હેડ ઓફિસમાં અધિકારીઓની સખ્ત જરુરિયાત છે.
હાલમાં હેડ ઓફિસમાં ત્રણ સિનિયર પ્રોફેસરો અધિકારીઓની કામગીરી કરી રહ્યા છે.જેમ કે અંગ્રેજી વિભાગના હેડ પ્રો.રાવિયાને પીઆરઓનો ચાર્જ અપાયેલો છે.કારણકે પીઆરઓ તરીકે ફરજ બજાવતા લકુલેશ ત્રિવેદીની વાઈસ ચાન્સેલરે કોઈ દેખીતા કારણ વગર જોહુકમી ભરી નીતિ અપનાવીને પાદરા કોલેજમાં ઓએસડી તરીકે બદલી કરી નાંખી હતી.
બીજી તરફ અધ્યાપકોની નિમણૂકો સહિતની કામગીરી માટેના એડીઈ સેક્શનનો હવાલો પણ કોમર્સના ડીન પ્રો.જે કે પંડયા પાસે છે.પરીક્ષા વિભાગમાં સોશ્યલ વર્ક ફેકલ્ટીના પૂર્વ ડીન પ્રો.ભાવના મહેતાને કંટ્રોલર તરીકે મૂકવા પડયા છે.આ સંજોગોમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે અમિત જાનીને હેડ ઓફિસમાં કામગીરી સોંપી શકાઈ હોત.
એવુ પણ ચર્ચાઈ રહ્યું છે કે, અમિત જાનીને બે મહિના પહેલા હાજર થવાનું હતું પરંતુ વાઈસ ચાન્સેલર નિર્ણય લેવાનું ટાળી રહ્યા હતા. હવે તેમને પાછલી ડેટથી જોઈનિંગ અપાયું છે.આમ તેમને બે મહિનાનો પગાર પણ આપવો પડશે.