- Gujarati News
- National
- Anti dowry Law Is For The Welfare Of Women, Not To Extort Money From Husbands Or Threaten Them
નવી દિલ્હી1 કલાક પેહલા
- કૉપી લિંક
- હિન્દુ લગ્ન એક પવિત્ર પ્રથા છે, કોઈ કોમર્શિયલ વેન્ચર નથી: SC
બીજાં લગ્ન કરનારાં યુગલના છૂટાછેડાને માન્ય રાખવાનો આદેશ કરતાં સર્વોચ્ચ અદાલતે લગ્નસંસ્થા અને દહેજવિરોધી કાયદાના દુરુપયોગ અંગે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે લગ્નસંસ્થા એ હિન્દુઓની પવિત્ર પ્રથા છે, કોમર્શિયલ વેન્ચર નથી. દહેજવિરોધી કાયદો પતિ પાસેથી નાણાં વસૂલાત કરવા કે ધમકાવવા માટે નહીં પણ મહિલાઓની ભલાઈ માટે બનાવાયો છે. ન્યાયમૂર્તિ બી. વી. નાગરત્ના અને ન્યાયમૂર્તિ એન. કોટિશ્વર સિંહની પીઠે કહ્યું હતું કે મહિલાઓના હાથમાં કાયદાની કડક જોગવાઈ તેમના કલ્યાણ માટે છે, એ વાતે મહિલાઓએ સાવચેત રહેવાની જરૂર છે.
અમેરિકન નાગરિક અને ત્યાંની આઇટી કન્સલ્ટન્સી સર્વિસમાં બિઝનેસ કરતા યુવકનાં 2021માં બીજાં લગ્ન થયાં હતાં. એ મહિલાનાં પણ બીજાં લગ્ન હતાં પણ બંને વચ્ચે મતભેદ થતાં પત્નીએ પતિ સામે તો ઠીક પણ તેના 80 વર્ષના સસરા સામે પણ દુષ્કર્મ અને અકુદરતી જાતીય સંબંધની ફરિયાદ નોંધાવી હતી. પત્નીએ પતિના છૂટાછેડાની અરજીનો વિરોધ કર્યો હતો પણ ભરણપોષણ પેટે જંગી રકમ માગી હતી. પત્નીની દલીલ હતી કે પતિની કુલ સંપત્તિ 50,00 કરોડ રૂપિયા છે. તેને અમેરિકા અને ભારતમાં અનેક વ્યવસાય અને સંપત્તિઓ છે. તેણે પહેલી પત્નીને 500 કરોડ રૂપિયા અને વર્જિનિયાનું એક ઘર આપ્યું હતું એટલે તે પણ આવા જ વળતરને હક્કદાર છે.
આ સામે વડી અદાલતે કહ્યું કે વિવિધ પાસાંને ધ્યાનમાં રાખીને ભરણપોષણ નક્કી થાય છે. પતિએ પહેલી પત્નીને સ્થાયી વળતર તરીકે કેટલી રકમ ચૂકવી કે તેની આવકને આધારે રકમ નક્કી ન કરી શકાય. બંને ચાર મહિના પણ સાથે રહ્યાં નહોતાં અને બંને વચ્ચે સંપ થવાની કોઈ જ શક્યતા ન જણાતા કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા છે. સુપ્રીમકોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે કેટલાક કિસ્સામાં પતિ અને તેના પરિવાર પાસે પોતાની માગણીઓ પૂરી કરાવવા માટે સાધન તરીકે પત્ની અને તેનો પરિવાર ગંભીર ગુના સાથે ક્રિમિનલ ફરિયાદનો ઉપયોગ કરે છે. જસ્ટિસ નાગરત્ના વતીથી અપાયેલા ચુકાદામાં કહેવાયું છે કે કોઈ ખાસ કેસમાં પોલીસ કાર્યવાહી કરવા ઉતાવળી થઈ જતી હોય છે.