Surat to Bangkok Flight: સુરતથી સીધા બેંગકોક માટેની ફ્લાઇટ શરૂ થઈ ચૂકી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની ચેન્નાઈ-સુરત-બેંગકોક-સુરત-ચેન્નાઈની ફ્લાઈટને પહેલા જ દિવસે 98 ટકા પેસેન્જર મળ્યા હતા. મહત્ત્વની વાત તો એ છે કે પહેલા જ દિવસે સુરતથી બેંગકોકની ફ્લાઈટમાં બેઠેલા મુસાફરોએ દારૂ પીને પ્રથમ ફ્લાઈટનું ઉદ્ધાટન કર્યું હતું. મુસાફરોએ એટલો દારૂ પીધો કે ફ્લાઈટમાં હાજર તમામ સ્ટોક ખૂટી ગયો હતો. જેને લઈને ફ્લાઈટના કર્મચારીઓએ મુસાફરોને ના પાડવી પડી હતી. ક્રૂ મેમ્બરે કહેવું પડ્યું હતું કે, ‘સોર નો લિકર.’
ગુજરાતીઓ દીવ, દમણ કે ગોવામાં નહિ પરંતુ બેંગકોક જતી ફ્લાઈટમાં દારૂ ઢીંચ્યો હતો. આ ફ્લાઈટમાં 300 જેટલા પેસેરન્જર સવાર હતા. જેમણે 4 કલાકની મુસાફરી દરમિયાન 15 લિટર એટલે કે 1.80 લાખ રૂપિયાનો દારૂ પીધો હતો. આ સાથે ફ્લાઈટમાં મુસાફરોએ વિસ્કી-બિયર સહિતનો સ્ટોક પણ પતાવી દીધો હતો. એટલું જ નહીં, તેની સાથે સુરતીઓએ ફ્લાઈટમાં નાસ્તાની એવી મજા માણી કે તમામ નાસ્તો ખાલી થઈ ગયો. ખમણ, થેપલા સહિતની તમામ ખાણી-પીણીની વસ્તુઓનો સ્ટોક ખાલી થઈ જતા ફ્લાઈટના ક્રૂ મેમ્બર પણ અચંબિત થઈ ગયા હતા.
આ વચ્ચે સુરતીઓએ બેંગકોકની ફ્લાઈટમાં મુસાફરીનો વીડિયો પણ બનાવ્યો છે. જેમાં તેઓ દારૂ, બિયર, નાસ્તાની મોજ માણતા નજરે પડી રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે, સુરતની ફ્લાઈટ હોય એટલે ફ્લાઈટ વાળાને બધી તૈયારી રાખવાની જ.