વડોદરા,ભાજપે ગુનેગારોનો સાથ લેવાનું ચાલુ કરતા ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, એવો આક્ષેપ કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આજે અત્રે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ગુજરાતમાં આવી ગુનાઈત પ્રવૃત્તિઓ થતી રોકવી જોઈએ.
વડોદરાની સયાજી હસ્પિટલમાં સારવાર લઈ રહેલી ઝઘડિયાની ૧૦ વર્ષની માસુમ દુષ્કર્મ પીડિતાની તબિયત જોવા આવેલા શક્તિસિંહે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, બાળા હાલમાં વેન્ટિલેટર પર છે અને ડોકટરો તેને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ અમાનવીય કૃત્ય છે. તેમણે કહ્યું હતું કે, દિલ્હીમાં જયારે નિર્ભયા દુષ્કર્મ કાંડ બન્યો હતો ત્યારે સમગ્ર દેશમાં ભાજપે તેનો રાજકીય લાભ ખાટવા માટે પ્રયાસ કર્યો હતો. ઝઘડિયાના બનાવ બાદ ગુજરાતના એક પણ મંત્રી કે મુખ્યમંત્રી પીડિતાના પરિવારજનોને મળવા આવ્યા નથી. હું સરકારને જરૃર વિનંતી કરીશ કે, રાજકારણ તો રાજકારણ રીતે ચાલ્યા કરે, પરંતુ જયારે આવો બનાવ બને ત્યારે દુઃખી પરિવાર પાસે ઉભા રહેવું એ સરકારની ફરજ છે. ગુજરાતમાં એક વર્ષમાં બાળકીઓ પર દુષ્કર્મની ૧૬૯ ઘટનાઓ બની છે. ગુજરાતમાં જયારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે રાત્રે ૩ વાગ્યે પર દિકરીઓ દાંડિયારાસમાંથી ઘરે પરત ફરતી હતી. એ વખતે આવી ઘટનાઓ બનતી ન હતી. કારણ કે નિષ્ઠાવાન અને પ્રામાણિક અધિકારીઓ ફિલ્ડમાં રહેતા હતા. બદલી અને બઢતી માટે પૈસા કે હપ્તા લેતા ન હતા. ગુનેગારોને સીધા પક્ષના સભ્ય બનાવી દઈ પક્ષના ભંડોળ માટે કે ચૂંટણી માટે સાથ સહકાર લેતા ન હતા, એમ કહી તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત બહારથી આવતા પ્રવાસી મજદૂરોની સુરક્ષા રાખવી એ આપણી જવાબદારી છે.