અમદાવાદ,રવિવાર
ઓઢવમાં રહેતો યુવક પરિવાર સાથે બે મહિના પહેલા મરણ પ્રસંગે રિક્ષામાં બેસી ઇન્દીરા બ્રીજ પાસેથી પરત આવતા હતા તે સમયે રિક્ષા ચાલક ફૂલ સ્પીડમાં રિક્ષા હંકારતો હોવાથી એરપોર્ટ નજીક રિક્ષા પલટી ગઇ હતી જેના કારણે યુવકને પગે ફ્રેકચર થતાં ઓપરેશન કરવું પડયું હતું. જો કે સારવાર લીધા બાદ યુવકે ફરિયાદ કરતાં ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
બે મહિના પહેલા પરિવારજનો મરણ પ્રસંગે ગયા હતા આવતા અકસ્માત થયો, સારવાર બાદ ફરિયાદ
ઓઢવમાં રહેતા યુવકે અજાણ્યા રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૨૩-૧૦-૨૪ના રોજ સગાના મરણ પ્રસંગે ફૂલ પધરાવવા માટે પરિવારજનો સાથે રિક્ષામાં બેસીને ગયા અને પરત આવતાં હતા ત્યારે રિક્ષા ચાલક ફૂલ સ્પીડમાં રિક્ષા હંકારતો હતો જેથી ફરિયાદીની પત્નીએ રિક્ષા ધીમી ચલાવવા ટકોર કરી હતી.
બીજીતરફ એરપોર્ટ નજીક હાંસોલ તલાવડી પાસે રિક્ષા ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષા પલટી ગઇ હતી. જેથી પાંચ લોકો નીચે દબાયા હતા અને યુવકને પગે ગંભીર ઇજાઓ થઇ હતી. સારવાર માટે ગયા તો પગે ફ્રેકચર થતાં ઓપરેશન કરવું પડયું હતું જેથી સારવાર બાદ યુવકે ફરિયાદ કરતાં ટ્રાફિક જી ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે.