વડોદરાઃ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આજે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની લેવાયેલી પરીક્ષામાં પેપર લીક ના થાય તે માટે તંત્રે કમર કસી હતી.આ માટે અલગ અલગ પ્રકારની તકેદારી રાખવામાં આવી હતી.
વડોદરામાં ૧૯ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી અને દરેક કેન્દ્ર માટેના પેપર સીલબંધ સ્ટીલની પેટીમાં મોકલવામાં આવ્યા હતા.વડોદરામાં ટ્રેઝરી કચેરી ખાતે ઉભા કરાયેલા સ્ટ્રોંગરુમમાં પેપરો મૂકવામાં આવ્યા હતા અને તેની સુરક્ષાનો ચાર્જ ડીવાયએસપી કક્ષાના પોલીસ અધિકારીઓને આપવામાં આવ્યો હતો.સ્ટીલની દરેક પેટી પર સાત તાળા મારવામાં આવ્યા હતા.
સૂત્રોએ કહ્યું હતું કે, પહેલા ત્રણ તાળા પૈકીના બે તાળા આરીથી કાપવાના હતા અને આ માટેની આરી પણ સ્ટીલની પેટીમાં જ પૂરી પાડવામાં આવી હતી.અન્ય તાળું ખોલવા માટેનો કોડ જે તે અધિકારીને પરીક્ષા શરુ થવાના અડધો કલાક પહેલા જ આપવામાં આવ્યો હતો.આ કોડનો ઉપયોગ કરીને તાળુ ખોલ્યા બાદ બીજા ત્રણ તાળા આરીથી કાપવામાં આવે ત્યારે જ પેટી ખુલે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.પરીક્ષા બાદ પેપરો ડીઈઓ કચેરી ખાતેથી રવાના કરવામાં આવ્યા હતા અને ત્યાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.પરીક્ષા દરમિયાન પેપર લીક ના થાય તે માટે જે સેન્ટરોમાં પરીક્ષા બ્લોકમાં એચડી સીસીટીવી કેમેરા હતા તેને ઢાંકી દેવામાં આવ્યા હતા.
દરમિયાન આજે વડોદરાના ૧૯ કેન્દ્રો પર નોંધાયેલા ૪૫૩૦ ઉમેદવારો પૈકી ૨૭૧૦ ઉમેદવારો પરીક્ષા આપવા માટે હાજર રહ્યા હતા.આમ પરીક્ષામાં ૬૦ ટકા હાજરી નોંધાઈ હતી.પરીક્ષા કેન્દ્રો પર પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.અન્ય જિલ્લાના ઉમેદવારોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાથી પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારો કલાકો પહેલા જ આવી ગયા હતા.ઉમેદવારોને કડક ચેકિંગ બાદ પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ અપાયો હતો.