Vadodara : વડોદરાના ફતેપુરા વિસ્તારમાં ગઈકાલે મધરાતે ભાજપના કોર્પોરેટરને તપાસવાના મુદ્દે પીઆઇ અને કોર્પોરેટર વચ્ચે ઉગ્ર શાબ્દિક ટપાટાપી થઈ હતી.
હરણી રોડ વિસ્તારમાં રહેતા અને એમ.જી રોડ પર દુકાન ધરાવતા ભાજપના કોર્પોરેટર સચિન પાટડીયા મોડી રાતે સ્કૂટર ઉપર ફતેપુરા રોડ પરથી કાર્યકરોને મળવા માટે આવી રહ્યા હતા. તે દરમિયાન કુંભારવાડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રોહિત તેમજ સેકન્ડ પીઆઇ બી.આર.ગોડે તેમને અટકાવ્યા હતા.
પોલીસે તેમને તુકારો કરીને સ્કૂટર એક સાઈડ પર લેવા કહ્યું હતું અને આટલી મોડી રાતે ક્યાં જાય છે તેમ કહેતાં ભાજપના કોર્પોરેટરે પોતાની ઓળખાણ આપી હતી. ત્યારબાદ પોલીસે તું કોર્પોરેટર છે તેની જાણ કેવી રીતે થાય તેમ કહી ફરીથી આપમાનિત કરતા કોર્પોરેટરે આ વિસ્તારમાં મારી સાથે ચાલો તમને ક્યાં ક્યાં અડ્ડા ચાલે છે બતાવું… ત્યાં કામગીરી કરો તેમ કહેતા પીઆઇ અને તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી.
કોર્પોરેટરનું કહેવું છે કે હું ઓળખાણ આપ્યા પછી પણ જો મારી સાથે આ રીતે વર્તન થતું હોય તો પછી સામાન્ય પબ્લિક સાથે શું નહીં થતું હોય. આ મુદ્દે શહેર પ્રમુખ તેમજ ધારાસભ્ય સહિતના આગેવાનોને રજૂઆત કરી છે.