45 મિનિટ પેહલા
- કૉપી લિંક
પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી છે. તેમની હાલત ખૂબ જ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેના કારણે કાંબલીને થાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર છે, પરંતુ હજુ પણ ચિંતાજનક છે.
તમને જણાવી દઈએ કે શનિવારે જ કાંબલીની તબિયત ઘણી ખરાબ થઈ ગઈ હતી. તે જ દિવસે તેમને તાત્કાલિક થાણેની આકૃતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની હાલતમાં હજુ પણ સુધારો નથી.
કાંબલીએ સચિનને છોડવા તૈયાર ન હતા
દિવંગત ક્રિકેટ કોચ રમાકાંત આચરેકરના બે પ્રખ્યાત શિષ્ય- સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી ત્રીજી ડિસેમ્બરે મુંબઈમાં તેમના જન્મદિવસ પર તેમના કોચના સ્મારકના અનાવરણ દરમિયાન મળ્યા હતા. આ દરમિયાન તેંડુલકર અને કાંબલી વચ્ચે હેન્ડશેકનો સીન સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.
વીડિયોમાં કાંબલી એકદમ બીમાર દેખાઈ રહ્યો છે. તેની હાલત જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ વીડિયો પર એવી કમેન્ટ કરવામાં આવી હતી કે IPL કાંબલીના સમયમાં પણ યોજાવી જોઈતી હતી. વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે તેંડુલકર કાંબલી પાસે પહોંચે છે. બંને હાથ મિલાવે છે.
ચિન સ્ટેજ પર આવતાંની સાથે જ કાંબલીની આવી નબળી હાલત જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. તેંડુલકર તેની પાસે ગયો અને થોડીવાર વાત કરી. આ પછી સચિન જ્યારે પોતાની સીટ પર બેસવા ગયો ત્યારે કાંબલી તેનો હાથ છોડતો નહોતો. મુંબઈના બન્ને સ્ટાર્સનો એકસાથે આવતાં વીડિયો ફરી વાઇરલ થયો હતો, પરંતુ પ્રશંસકો પોતાને એ વિચારવાથી રોકી શક્યા નહોતા કે વિનોદ કાંબલીની તબિયત સારી છે કે નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર…
કાંબલીને શું થયું? વિનોદ કાંબલી લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. તેણે ભૂતકાળમાં હૃદયની સમસ્યાઓ અને ડિપ્રેશન સામે લડવા વિશે ખૂલીને વાત કરી છે. તેને દરરોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. 2010ના દાયકાની શરૂઆતમાં ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પછી તેની સ્થિતિમાં સુધારો થયો. 2013માં ચેમ્બુરથી બાંદ્રા જતી વખતે તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ત્યારે તેને તાત્કાલિક મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. અગાઉ વર્ષ 2012માં તેની બે બ્લોકેજ ધમનીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
કાંબલીની કારકિર્દી પર નજર કાંબલીની કારકિર્દીમાં શાનદાર શરૂઆત બાદ 104 ODI મેચ સિવાય માત્ર 17 ટેસ્ટ રમી હતી. એમાં ટેસ્ટમાં બે બેવડી સદીનો સમાવેશ થાય છે. તેણે રેડ બોલ ફોર્મેટમાં 1084 રન બનાવ્યા હતા. વન-ડેમાં તેણે બે સદી સહિત 2477 રન બનાવ્યા હતા.
સચિન સાથે ક્રિકેટમાં કર્યું હતું ડેબ્યૂ કાંબલી અને સચિન તેંડુલકર બાળપણના મિત્રો છે. બંનેએ મુંબઈની પ્રખ્યાત કાંગા લીગમાં એકસાથે ડેબ્યુ કર્યું હતું. તેંડુલકર-કાંબલીએ સ્કૂલમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. બંનેએ શારદાશ્રમ સ્કૂલ તરફથી રમતા 664 રનની ભાગીદારી નોંધાવી હતી.
આ ભાગીદારીમાં કાંબલીએ અણનમ 349 રન બનાવ્યા હતા. અહીંથી બંને ચર્ચામાં આવ્યા હતા. તેંડુલકરે 1988માં રણજીમાં ડેબ્યૂ કર્યું હતું, જ્યારે કાંબલીને એક વર્ષ પછી 1989માં આ તક મળી હતી.
વિનોદ કાંબલીએ બે વાર લગ્ન કર્યાં કાંબલીની અંગત જિંદગી પણ બહુ સફળ રહી ન હતી. તેમણે પહેલા એક ખ્રિસ્તી યુવતી સાથે લગ્ન કર્યા. નોએલા નામની છોકરી સાથેના તેમના પ્રથમ લગ્ન સફળ રહ્યા ન હતા. ફિલ્મી દુનિયા તરફ આકર્ષિત થયેલા કાંબલીને ફેશન મોડલ એન્ડ્રીયા હેવિટ સાથે પ્રેમ થઈ ગયો. બંનેએ લગ્ન કર્યાં અને હજુ પણ સાથે છે. જૂન 2010માં એન્ડ્રીયાએ કાંબલીના પુત્ર જીસસ ક્રિસ્ટિયાનોને જન્મ આપ્યો.
જ્યારે કાંબલી મેદાન પર રડ્યા હતા
મેચ સમાપ્ત થયા બાદ અણનમ રહેલા કાંબલી મેદાન પર જ રડવા લાગ્યા હતા.
13 માર્ચ 1996ના રોજ કોલકાતાના ઈડન ગાર્ડનમાં ભારત અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડ કપની સેમીફાઈનલ રમાઈ હતી. શ્રીલંકાએ 251 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ એક સમયે 98 રનમાં એક વિકેટ ગુમાવીને સારી સ્થિતિમાં હતી, પરંતુ સચિનના આઉટ થયા બાદ ટીમનો બેટિંગ ઓર્ડરનો ધબડકો થયો હતો. ટીમ ઈન્ડિયાએ 120 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી.
35મી ઓવર હતી અને ભારતીય ટીમને 156 બોલમાં 132 રનની જરૂર હતી. વિનોદ કાંબલી 10 અને અનિલ કુંબલે ખાતું ખોલાવ્યા વગર જ ક્રિઝ પર હાજર હતા. આ પછી દર્શકોએ મેદાન પર બોટલો ફેંકવાનું શરૂ કર્યું. સ્ટેડિયમના એક ભાગમાં આગ લગાવી દીધી. મેચ અટકાવવામાં આવી અને શ્રીલંકાને વિજેતા જાહેર કરવામાં આવ્યું. ત્યારે મેદાનમાંથી પરત ફરતી વખતે કાંબલી રડવા લાગ્યા હતા.
કેટલીક ફ્લોપ ફિલ્મોમાં પણ કામ કર્યું 2000માં ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ કાંબલી ફિલ્મો તરફ વળ્યા. 2002માં સંજય દત્ત, સુનીલ શેટ્ટી અને પ્રીતિ ઝાંગિયાની અભિનીત ફિલ્મ ‘અનર્થ’ રિલીઝ થઈ હતી. રવિ દીવાન દ્વારા નિર્દેશિત તે ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. 2009માં કાંબલીએ ફરીથી પલ પલ દિલ કે સાથ નામની ફિલ્મ કરી. વીકે કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કાંબલીના પૂર્વ ક્રિકેટર મિત્ર અજય જાડેજા અને માહી ગિલ હતા, પરંતુ તે પણ દર્શકોના દિલ જીતી શક્યા ન હતા.
કાંબલીને હાર્ટ એટેક આવી ચૂક્યો છે ફિલ્મી કારકિર્દી ફ્લોપ થયા બાદ કાંબલીએ રાજકારણમાં પણ હાથ અજમાવ્યો. તેઓ લોક ભારતી પાર્ટીના સભ્ય હતા. 2009ની વિધાનસભા ચૂંટણીમાં કાંબલી વિક્રોલી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ આ મોરચે પણ તેમને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. કાંબલીને થોડાં વર્ષો પહેલાં હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારથી તે ક્રિકેટ, ટીવી અને સિનેમાના પડદા પરથી લગભગ ગાયબ છે.