Rain Forecast In Gujarat : ગુજરાતમાં ધીમે-ધીમે ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે, તેવામાં વાતાવરણમાં પલટો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે આજે સોમવારે રાજ્યના નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 28 ડિસેમ્બર સુધીની આગાહી કરી છે. જેમાં 24-25 ડિસેમ્બરમાં રાજ્યભરમાં શુષ્ક હવામાનની આગાહી છે, જ્યારે 26થી 28 ડિસેમ્બર સુધીમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણ પલટાયું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે વહેલી સવારે ધુમ્મસના દ્રશ્યો જોવા મળે છે. હવામાન વિભાગે આગામી 24-25 ડિસેમ્બરના રોજ રાજ્યભરમાં શુષ્ક હવામાનની આગાહી કરી છે.
આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 26-27 ડિસેમ્બરે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: છેડતીના ભયે વાલીઓ સ્કૂલમાંથી છોકરીઓના નામ કઢાવી રહ્યા છે, મ્યુનિ. કાઉન્સિલરોનો આક્ષેપ
જ્યારે 28 ડિસેમ્બરના રોજ કચ્છ, તાપી, ડાંગ, વલસાડ અને નવસારી એમ પાંચ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં તાપમાનને લઈને હવામાન વિભાગે આંકડા જાહેર કર્યા છે. જેમાં રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 7.9 સે. નોંધાયું છે. જ્યારે ભુજમાં 11.2 સે., કંડલા એરપોર્ટમાં 13.5 સે., સુરેન્દ્રનગરમાં 14.5 સે., ગાંધીનગરમાં 17.1 સે., અમદાવાદમાં 17.8 સે., ભાવનગરમાં 18.8 સે. વડોદરામાં 19.8 સે., સુરતમાં 20.2 સે. તાપમાન નોંધાયું છે.